નવી દિલ્હી: ટૂલકીટ કેસમાં દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરાયેલી દિશા રવિને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે જામીન આપી દીધા હતા. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, દિશાની જામીન અરજીનો વિરોધ કરતા કોર્ટ સમક્ષ દિલ્હી પોલીસ કોઈ પણ તથ્યો રજૂ કરવામાં અસમર્થ રહી છે કે જેનાથી એ સાબિત થાય છે કે દિશાના કારણે દિલ્હીમાં હિંસા થઈ અથવા દિશાના મનમાં કોઈ દેશ વિરોધી વિચાર હતો.
19 પાનાના પોતાના આદેશમાં કોર્ટે દિલ્હી પોલીસની અરજીઓની દલીલો સાથે દિશાવા વકીલની દલીલોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેમના પર કોર્ટની ટિપ્પણીઓ વિશે વિગતવાર લખ્યું છે.
કોર્ટે પોતાના આદેશમાં દિલ્હી પોલીસ દ્વારા એક પછી એક અપાયેલી દલીલોને ફગાવી દીધી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, દિશાની ટૂલકીટ તૈયાર કરવાને કારણે દેશ વિરોધી કાવતરુ રચ્યું હોય તે સાબિત કરવા કોર્ટ સમક્ષ કોઈ તથ્યો આવ્યા નથી. આ ટૂલકિટને કારણે 26 જાન્યુઆરીએ દિલ્હીમાં હિંસા થઈ. સાથે પોલીસ પણ સાબિત નથી કરી શકી કે કેવી રીતે ગ્રેટાને ટુલકિટ મોકલી દિશાએ દુનિયાની સામે કોઈ દેશ વિરોધી કામ કર્યું હોય.


કોર્ટમાં કહેવામાં આવ્યું કે, પોલીસ એ પણ જણાવી શકી નથી કે ટૂલકિટ તૈયાર થયા બાદ શું કોઈ ભારતીય દુતાવાસની બહાર કોઈ હિંસાત્મક કાર્યાવાહી થઈ. રહી વાત દિલ્હી પોલીસની તપાસની તો કોઈ પણ નાગરિકના અધિકારોનું હનન તેના કારણે કરી શકાય નહીં કારણ કે દિલ્હી પોલીસની તપાસ ચાલુ છે.