નવી દિલ્લીઃ યુપીના કાનપુરમાં ઇંદૌર-પટના એક્સપ્રેસ વેના ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. ઘટનામાં 100 લોકોના મોત થયા છે. જ્યારે 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે NDRFની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ છે. વહેલી સવારે 3 વાગ્યાને 10 મિનિટ આસપાસ આ ઘટના બની છે. ટ્રેન દુર્ઘટના બાદ અનેક ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે. રેલવે વિભાગે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. જ્યારે રેલવે રાજ્યમંત્રી મનોજસિંહા ઘટના સ્થળે જવા રવાના થયા છે.
આ ઘટના નજરે જોનારે જણાવ્યું હતું કે, આ ટ્રેનમા બે વર્ષની બાળકીના બે ટુકડા થઇ ગયા હતા. આ બાળકી ઉજ્જૈનથી તેના પરિવાર સાથે ટ્રેનમાં જઇ રહી હતી. દુર્ધટના અંગે નજરે જોનારનું કહેવું હતું કે, આ દુર્ઘટના સમયે મોટા ભાગના લોકો સુતા હતા. આ બધું એટલી ઝડપથી થયું કે લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ હોહા ચાલુ થઈ ગઈ. લોકો બચાવો-બચાવોની બૂમો પાડી રહ્યા હતા. નીંદર તૂટતા જ લોકોની ચીસો સંભળાતી હતી.