નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સમગ્ર દુનિયામાં 1.13 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ભારતની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 24 હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલનો કેસનો આંકડો  6,73,165 પર પહોંચી ગયો છે.  દુનિયાને કોરોના વાયરસના ચેપથી બચાવવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો મહેનત કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઇ એક રસી બનાવવા માટે વર્ષો લાગે છે પરંતુ કોરોનાના કહેરને જોતા સમગ્ર દુનિયાના વૈજ્ઞાનિકો કોરોનાની રસી શોધવામાં લાગી ગયા છે. હાલમાં વિશ્વમાં છ અલગ અલગ રસીનું પરીક્ષણ થઇ રહ્યું છે જેના પર દુનિયાને આશા જાગી છે. આ રસીનું પરીક્ષણ એવા તબક્કે પહોંચી ચૂક્યું છે જેમાં મનુષ્ય પણ પરીક્ષણ કરી શકાય.

અમેરિકાની બાયોટેકનૉલૉજી કંપની મૉડર્ના થેરાપ્યુટિક્સએ કોવિડ-19ની રસી વિકસિત કરવા માટે સંશોધનનો નવો વ્યૂહ અપનાવ્યો છે. કંપનીનો ઇરાદો એવી રસી તૈયાર કરવાનો છે, જે વ્યક્તિની રોગ પ્રતિકારશક્તિને કોરોના વાઇરસ સામે લડવા માટે સજ્જ કરે. કંપનીએ mRNA-1273 રસી તૈયાર કરવા માટે કોવિડ-19 બીમારી પેદા કરતા વિષાણુઓનો ઉપયોગ કર્યો નથી. વિજ્ઞાનીઓએ લૅબોરેટરીમાં કોરોના વાયરસનો જિનેટિક કોડ તૈયાર કરી લીધો છે.

અમેરિકાની બીજી બાયોટેકનોલોજી કંપની ઇનોવિયો ફાર્માસ્યુટિકલ્સે પણ સંશોધનની નવી પદ્ધતિ અપનાવી છે. આ કંપનીએ પોતાની રસીનું નામ  INO-4800 આપ્યું છે. આ કંપની એવી રસી તૈયાર કરવા ધ્યાન કેન્દ્રીત કરી રહી છે કે જેમાં દર્દીની કોષિકાઓમાં પ્લાઝ્મિડ (એક નાની જિનેટિક સંરચના)ના માધ્યમથી ડીએનએ દાખલ કરવામાં આવે. તે દાખલ થવાથી દર્દીના શરીરમાં ચેપ સામે ઍન્ટીબોડી તૈયાર થશે તેવી આશા છે.

અમેરિકાની જેમ ચીનમાં પણ કોરોનાની ત્રણ રસી પર કામ ચાલી રહ્યું છે. જેમાં મનુષ્ય પર પરીક્ષણ ચાલી રહ્યું છે. પરંપરાગત રીતે રસી તૈયાર કરવાની રીત અહીં અપનાવાઈ રહી છે.ચીનની બાયૉટેક કંપની કેન્સિનો બાયૉલૉજિકલે પણ મનુષ્યો પર પરીક્ષણ શરૂ કરી દીધાં હતાં. કંપનીએ રસીનું નામ AD5-nCoV આપ્યું છે. આ રસીમાં એડેનો વાઇરસના એક વિશેષ વર્ઝનનો ઉપયોગ વૅક્ટર તરીકે કરવામાં આવ્યો છે.  તે સિવાય ચીનના શેન્ઝેન જિનોઇમ્યુન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પણ એક રસી LV-SMENP-DC તૈયાર થઈ છે અને તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ચીનમાં વુહાન બાયોલૉજિકલ પ્રોડેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ એક ત્રીજી રસી પર કામ કરી રહ્યું છે. જેમાં નિષ્ક્રિય વાયરસમાં એવો ફેરફાર કરવામાં આવે છે કે વાયરસ બીમારી પેદા કરવાની પોતાની ક્ષમતા ગુમાવી દે છે.

બ્રિટનની ઑક્સફર્ડ યુનિવર્સિટીની જેનર ઇન્સ્ટિટ્યૂટમાં ChAdOx1 રસી તૈયાર થઈ રહી છે. ચીની કંપની કેન્સિનો બાયૉલૉજિકલ જે ટેક્નિક પર સંશોધન રહી છે. જોકે ઑક્સફૉર્ડની ટીમે ચિમ્પાન્ઝીમાંથી લીધેલા એડેનો વાઇરસના નબળા વર્ઝનનો ઉપયોગ કર્યો છે. કોવિડ-19ની રસી માટે ભલે યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ થઈ રહી હોય, પરંતુ હજી ખાતરી નથી થઈ કે આમાંની કોઈ રસી ઉપયોગી થશે.