લોકસભામાં ફરી ટ્રિપલ તલાક બિલ પાસ, બિલના સમર્થનમાં 303 અને વિરોધમાં 82 વોટ પડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jul 2019 07:31 PM (IST)
લોકસભામાં ફરી ટ્રિપલ તલાક બિલ પાસ થયું છે. તેના પક્ષમાં 303 વોટ પડ્યા અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. ડીએમકે, એનસીપી સહિતના વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો જ્યારે કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ અને સરકારની સહયોગી જેડીયૂએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.
નવી દિલ્હી: લોકસભામાં ફરી ટ્રિપલ તલાક બિલ પાસ થયું છે. તેના પક્ષમાં 303 વોટ પડ્યા અને વિરોધમાં 82 વોટ પડ્યા હતા. ડીએમકે, એનસીપી સહિતના વિરોધ પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો જ્યારે કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ અને સરકારની સહયોગી જેડીયૂએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. આ બિલ ગત લોકસભામાં પણ પાસ થયું હતું પરંતુ રાજ્યસભામાં બિલને પરત કરવામાં આવ્યું હતું. બાદમાં 16મી લોકસભાનો કાર્યકાળ ખત્મ થયા બાદ લોકસભામાં સરકાર કેટલાક બદલાવો સાથે ફરી બિલને લઈને આવી છે. હવે આ બિલને રાજ્યસભામાં પાસ કરવાનો પડકાર છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે જે લોકો મુસ્લિમ મહિલાઓના હકની વાત કરી રહ્યા છે તેઓ જણાવે કે ક્યાં ધર્મમાં કહે છે કે મહિલાઓ સાથે અન્યાય કરો. તેમણે અલગ-અલગ ધર્મોના મેરેજ એક્ટનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું પારસિઓ, હિંદુ, ક્રિશ્ચિયન મેરેજ એક્ટ એ તમામમાં મહિલાઓના હકને ઉપર રાખવામાં આવ્યા છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું ગત લોકસભામાં આ બિલ પાસ થઈને રાજ્યસભામાં ગયું હતું, પરંતુ સદન ભંગ થવાના કારણે અન્ય કાયદાની જેમ આને પણ બીજી વખત લોકસભામાં લાવવું પડ્યું છે. રવિશકરે સુપ્રીમ કોર્ટના નિર્ણયની વાત કરી હતી. તેમણે કહ્યું આ પીડાની વાત છે કે જાન્યુઆરી 2017થી 574 ટ્રીપલ તલાકના મામલા સામે આવ્યા, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 345 નિર્ણય આવ્યા છે. આ આંકડાઓ આજથી બે ત્રણ દિવસ પહેલાના છે. એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામં ટ્રીપલ તલાક બિલનો વિરોધ કરતા કહ્યું કે જો પતિ ડિવોર્સ આપે છે તો તેને પોતાની પત્નીને મહેરના રૂપમાં અનેક ગણી રકમ આપવી પડે છે અને આ જન્મ જન્મનો સાથ નથી પરંતુ એક જન્મનો કોન્ટ્રાક્ટ છે. ઓવૈસીએ કહ્યું ઈસ્લામમાં શાદી એક કોન્ટ્રાક્ટ છે, તેને જન્મ-જન્મનો મસલો ન બનાવો. આ સરકાર ત્યારે ક્યાં ગઈ હતી જ્યારે તેમના એક મંત્રી પર મીટૂનો આરોપ લાગ્યો હતો. 23 લાખ હિંદૂ મહિલાઓ પોતાના પતિથી અલગ રહે છે અને તેમના માટે સરકાર પાસે કંઈ નથી.