નવી દિલ્હીઃ કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં  આજે નવા ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપવામાં આવી છે તે સિવાય મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીરમાં વધુ છ મહિના માટે રાજ્યપાલ શાસન લંબાવવામાં આવ્યું છે. મોદી સરકાર એક વાર ફરીથી સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરવા માટે તૈયાર છે. કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, અમે આવનારા સંસદ સત્રમાં  ટ્રિપલ તલાક બિલ રજૂ કરીશું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વખતે રાજ્યસભામાં આ બિલને પાસ કરવામાં આવશે. તે સિવાય કેન્દ્રિય મંત્રી જાવડેકરે કહ્યું કે, કેબિનેટે જમ્મ કાશ્મીર અનામત બિલ 2019ને મંજૂરી આપી દીધી છે જે ઇન્ટરનેશનલ સરહદના ક્ષેત્રોમાં જમ્મુ કાશ્મીરના લોકોને  રાહત આપે છે.




જાવડેકરે કહ્યું કે, જૂના વટહુકમને  જ બિલમાં ફેરવવામાં આવશે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીર રિઝર્વેશન બિલ 2019ને મંજૂરી આપી દેવામાં આવી છે જેનાથી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારોના લોકોને રાહત મળશે. કેન્દ્ર સરકારે આધાર અને અન્ય કાયદાઓ (સંશોધન) બિલ 2019ને મંજૂરી આપી છે. હવે કોઇ પણ વ્યક્તિને આધાર નંબર આપવા માટે મજબૂર નહી કરી શકાય.