નવી દિલ્હીઃ આજે સંસદના મોનસુન સત્રનો અંતિમ દિવસ હતો જોકે માહિતી પ્રમાણે હવે એક દિવસ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. સંસદમાં ટ્રિપલ તલાક બિલ પર હંગામો થવાની શક્યતા છે. આ બિલને આજે રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. બિલની જોગવાઇઓનો વિપક્ષ વિરોધ કરી શકે છે. બીજેપીએ પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેલા માટે વ્હીપ જાહેર કર્યું છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સોનિયા ગાંધી પર હુમલો કરતા પૂછ્યું હતું કે, કોગ્રેસ બિલનું સમર્થન કરશે કે નહીં? ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થયા બાદ વિરોધને કારણે રાજ્યસભામાં પેન્ડિંગ છે.
ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે સંસદમાં પેન્ડિંગ ટ્રિપલ તલાક બિલમાં ત્રણ મહત્વના ફેરફારને મંજૂરી આપી દીધી છે. તે અનુસાર, ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેજીસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. તે સિવાય પીડિતાના પરિવારજનો અને લોહીનો સંબંધ હોય તેવા સંબંધીઓ જ ફરિયાદ દાખલ કરાવી શકે છે. પાડોશી અથવા અન્ય સંબંધીઓ એફઆઇઆર દાખલ કરાવી શકે નહીં. મેજીસ્ટ્રેટને પતિ-પત્નીને સમજાવીને તેમના લગ્ન સંબંધો ચાલુ રહે તેવા પ્રયત્નો કરવાનો અધિકાર છે. ત્રીજા ફેરફાર અનુસાર, ટ્રિપલ તલાકના આરોપીને પત્નીનો પક્ષ સાંભળ્યા બાદ મેજીસ્ટ્રેટ જામીન આપી શકે છે, પોલીસ સ્ટેશનથી જામીન મળશે નહીં.
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,વારંવાર પતિ જેલ જશે તો ઘરમાં કમાનાર કોણ રહેશે એ વાત પર કોગ્રેસનો વિરોધ વ્યાજબી નથી. દહેજ ઉત્પીડન કાયદો, ઘરેલુ હિંસામાં પણ મુસલમાન પતિ જેલ જાય છે તેના પર કોગ્રેસ પાર્ટી સવાલ કેમ ઉઠાવતી નથી. કોગ્રેસ પાર્ટી આ સવાલ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. સોનિયા ગાંધી દેશની મોટી નેતા છે. શું તેઓ નારી ન્યાય, નારી ગરીમા અને નારી સન્માન માટે આગળ નહીં આવે. કોગ્રેસ પાર્ટી આ બિલનો વિરોધ કરતી રહેશે? ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવ્યા હતા. સરકારને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવા કહ્યુ હતું.