જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ હવે મહિલાઓ અને બાળકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સતત બીજા દિવસે કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકોને નિશાન બનાવ્યા હતા.  આજે એક ટીવી અભિનેત્રી પર ફાયરિંગની ઘટના સામે બની છે. આ હુમલામાં એક્ટ્રેસનો 10 વર્ષનો ભત્રીજો પણ ઘાયલ થયો હતો, જ્યારે અભિનેત્રીનું મોત થયું હતું.






પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી હુમલાની આ ઘટના બુધવારે બડગામ જિલ્લાના ચદૂરાના હિશરૂ વિસ્તારમાં બની હતી. ટીવી એક્ટ્રેસ અંબરીન તેના 10 વર્ષના ભત્રીજા સાથે તેના ઘરની બહાર ઉભી હતી. ત્યારે અચાનક હુમલાખોરોએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બંનેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અંબરીનનું મોત નીપજ્યું હતું. તેના ભત્રીજાને હાથમાં ગોળી વાગી છે અને ભત્રીજાની હાલત સ્થિર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હુમલાખોરોને પકડવા માટે પોલીસે આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે.






જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સોમવારે સાંજે આતંકવાદીઓએ એક કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો હતો. ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા જ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.


આતંકવાદીઓએ આ પહેલા 13 મેના રોજ પુલવામામાં પોલીસ કોન્સ્ટેબલ રિયાઝ અહેમદની તેના ઘર પર ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જેના એક દિવસ પહેલા 12 મેના રોજ આતંકવાદીઓએ બડગામમાં સરકારી કર્મચારી રાહુલ ભટની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી હતી.






આ સિવાય કાશ્મીરમાં છેલ્લા 24 કલાક દરમિયાન આતંકવાદીઓ દ્વારા 7 લોકોને ઠાર કરવામાં આવ્યા છે. આ ઘટનાઓમાં પુલવામામાં ચાર પ્રવાસી મજૂરો , શ્રીનગરમાં 2 CRPF જવાન અને હવે શોપિયાંમાં એક કાશ્મીરી પંડિતને ગોળી મારી દેવામાં આવી છે.આ મામલાને લઈને જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કવિન્દર ગુપ્તાએ કહ્યું છે કે ફરી એકવાર ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને કાશ્મીરી પંડિતો ખીણમાં પાછા ન ફરી શકે.


કાશ્મીરી પંડિત પર હુમલાની ઘટના અંગે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્ય કહે છે કે આ એક હાર્ડકોર ઈસ્લામિક એજન્ડા છે જેથી સંપૂર્ણપણે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી હાંકી કાઢવામાં આવે, એટલે કે બાકીના કાશ્મીરી પંડિતોને પણ બહાર કાઢવામાં આવે. એક દિવસ પહેલા પણ આ જ એજન્ડા હેઠળ કાશ્મીરમાં પ્રવાસી મજૂરો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.