Terror Funding Case: ટેરર ફંડિંગ કેસમાં દોષિત ઠરેલા અલગાવવાદી નેતા યાસીન મલિકને આજે એટલે કે, બુધવારે દિલ્હીમાં NIAની વિશેષ અદાલતે આજીવન કેદની સજા આપી છે. આ સાથે તેના પર 10 લાખનો દંડ પણ લગાવ્યો છે. યાસીન મલિકને ફટકારવામાં આવેલી આજીવન કેદની સજાને કારણે પાડોશી દેશ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આ નિર્ણય માટે ભારતની ટીકા કરી છે.


શાહબાઝ શરીફે પોતાના ટ્વિટમાં કહ્યું કે, "ભારત યાસીન મલિકને શારીરિક રીતે કેદ કરી શકે છે પરંતુ તેઓ આઝાદીના વિચારને ક્યારેય કેદ કરી શકે નહીં જેનું તે (યાસિન) પ્રતીક છે. બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીને આજીવન કારાવાસની સજા કાશ્મીરીઓના સ્વ-નિર્ણયના અધિકારને નવી પ્રેરણા આપશે."






વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ ટ્વીટ કર્યુંઃ
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પણ ટ્વીટ કર્યું હતું કે, "હુર્રિયત નેતા યાસીન મલિકને કપટી કેસમાં અન્યાયી સજાની સખત નિંદા કરીએ છીએ. ભારત કાશ્મીરીઓની સ્વતંત્રતા અને આત્મનિર્ણયના અવાજને ક્યારેય ચૂપ નહી કરાવી શકશે. પાકિસ્તાન કાશ્મીરી ભાઈઓ અને બહેનોની સાથે ઉભું છે, તેમના ન્યાયી સંઘર્ષમાં શક્ય તમામ સમર્થન આપવાનું ચાલુ રાખશે.






યાસીનને 19 મેના રોજ દોષિત ઠેરવવામાં આવ્યોઃ
યાસીન મલિકને ટેરર ​​ફંડિંગ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. મલિક સામે ગુનાહિત કાવતરું, શાંતિ ભંગ સહિતની અનેક કલમો હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. મલિકે કોર્ટ સમક્ષ આરોપો પણ કબૂલ કર્યા હતા, ત્યારબાદ મલિકને 19 મેના રોજ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ત્યારે આજે દિલ્હીમાં NIAની વિશેષ અદાલતે યાસિન મલીકને આજીવન કારાવાસની સજા આપી છે.


યાસીન મલિકનો જન્મ 1966માં એવા પરિવારમાં થયો હતો જે મૂળ દક્ષિણ કાશ્મીરના કોકરનાગ વિસ્તારનો હતો પરંતુ તે લાલ ચોક પાસે મૈસુમા વિસ્તારમાં રહેતો હતો. યાસીન સ્વતંત્ર કાશ્મીરના હિમાયતી રહ્યો છે અને જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ રહી ચૂક્યો છે. યાસીન એ યુવાનોના પ્રથમ જૂથમાંનો એક હતો જેમણે મૂળરૂપે કાશ્મીર ખીણમાં સશસ્ત્ર આતંકવાદનું નેતૃત્વ કર્યું હતું. જો કે, 1991ની શરૂઆતમાં સુરક્ષા દળો સાથે થયેલી અથડામણ બાદ યાસીન મલિકની ધરપકડ બાદ, મલિકે 1994માં હિંસા છોડી દીધી અને કાશ્મીર સંઘર્ષના સમાધાન માટે શાંતિપૂર્ણ માર્ગ અપનાવ્યો હતો