Noida Twin Towers Demolition : રિયલ્ટી ફર્મ સુપરટેક લિમિટેડ (Supertech)ના ચેરમેન આરકે અરોરા (R.K. Arora )એ રવિવારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નોઈડામાં તેના ટ્વીન ટાવર બિલ્ડિંગને તોડી પાડવાને કારણે કંપનીને આશરે રૂ.500 કરોડનું નુકસાન થયું છે.


અરોરાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ઈમારતને તોડી પાડવાને કારણે કંપનીને બાંધકામના ખર્ચ અને લોન પર ચૂકવવાપાત્ર વ્યાજના રૂપમાં આશરે રૂ.500 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.


સુપ્રીમ કોર્ટે સ્થાપિત ધારાધોરણોનું ઉલ્લંઘન કરીને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર આ 100 મીટર ઊંચી રહેણાંક ઇમારતને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ જ આદેશને પગલે આજે 28 ઓગસ્ટને રવિવારે બપોરે 2.30 કલાકે આ બિલ્ડિંગના બંને ટાવરને માત્ર થોડી જ સેકન્ડોમાં ડિસ્ટ્રોયરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા.


સુપરટેક લિમિટેડના ચેરમેન આર.કે. અરોરાએ કહ્યું, “અમારી કુલ ખોટ લગભગ રૂ. 500 કરોડ છે. આમાં બિલ્ડિંગના બાંધકામ અને જમીનની ખરીદીનો ખર્ચ, નોઇડા ઓથોરિટીને તમામ મંજૂરીઓ માટે ચૂકવવામાં આવેલી ફી અને બેંકોને લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમે આ ટાવર્સમાં ફ્લેટ ખરીદનારા ગ્રાહકોને 12 ટકાના દરે વ્યાજ પણ ચૂકવવું પડ્યું છે."


આ બંને ટાવર નોઈડાના સેક્ટર 93Aમાં એક્સપ્રેસ વે પર સ્થિત સુપરટેકના એમેરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટનો ભાગ હતા. આ ટાવર્સમાં બનેલા 900 થી વધુ ફ્લેટની વર્તમાન બજાર કિંમત અનુસાર કિંમત 700 કરોડ રૂપિયાની આસપાસ હતી.


અરોરાએ જણાવ્યું હતું કે કોર્ટે આ ટાવર્સને તોડી પાડવાનો આદેશ આપ્યો હોવા છતાં, સુપરટેકે તેને નોઇડા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલ બિલ્ડિંગ પ્લાન મુજબ બનાવ્યું હતું.


તેમણે કહ્યું કે સુપરટેક આ બે ટાવરને વિસ્ફોટકો સાથે તોડી પાડવા માટે એડફિસ એન્જિનિયરિંગ કંપનીને 17.5 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. એડિફિસે તેને ચલાવવા માટે દક્ષિણ આફ્રિકાની ફર્મ જેટ ડિમોલિશન્સને સોંપી હતી.



12 સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયા ટ્વીન ટાવર 


નોઈડા સ્થિત ટ્વિન ટાવર આખરે 12 સેકન્ડમાં જ જમીનદોસ્ત થઈ ગયા  છે. જે બિલ્ડીંગને બનાવવા માટે 13 વર્ષનો સમય લાગ્યો તે જ બિલ્ડીંગ 12 સેકન્ડમાં ભૂતકાળ બની ગઈ છે. બિલ્ડીંગમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને એક સાથે વોટરફોલ સ્ટાઈલમાં આ ટ્વિન ટાવરને (Twin Tower) પાડવામાં આવ્યા હતા.


આ બિલ્ડીંગ પડ્યા બાદ ચારે તરફ કાટમાળના ધુમાડાના વાદળો ઉઠ્યા હતા. જ્યારે આ ટ્વિન ટાવરને તોડવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર લોકોએ એક મોટો ધડાકો સાંભળ્યો હતો. લોકોને ધરતીકંપનો પણ અનુભવ થયો હતો. જોતાં-જોતાં જ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા.


મળી રહેલા લેટેસ્ટ અપડેટ મુજબ ટ્વિન ટાવર તોડી પાડ્યા બાદ કોઈ પણ જાનહાની થઈ નથી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરાયેલું સમગ્ર આયોજન બરાબર રીતે કામ કર્યું હતું.