આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા જીએસટી કાઉન્સિલની 44મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. જેની જાણકારી નાણામંત્રીએ પત્રકાર પરિષદમાં આપી છે. કોરોના વેક્સિન પર 5 ટકા જીએસટી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર 75 ટકા વેક્સિન ખરીદશે અને તેના પર જીએસટી આપશે. પરંતુ જીએસટીથી થનારી 70 ટકા આવક રાજ્યોની સાથે વેચવામાં આવશે.
ચાર પ્રકારની પ્રોડક્ટ પર જીએસટી દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન રિલેટેડ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કિટ્સ અને બીજા મશીનો તથા કોવિડ સંબંધિત રાહત સામગ્રી સામેલ છે. આ રેટ્સ વિશે જલદી જાહેરાત કરવામાં આવશે તેમ નિર્મલા સીતારમને કહ્યું છે.
બ્લેક ફંગસની સારવારમાં કામ આવનાર એન્ટીફંગલ દવા Amphotericin કોઈ જીએસટી લાગશે નહીં. જીએસટી કાઉન્સિલે કોરોનાની દવા રેમડેસિવિર પર જીએસટી 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવાના પ્રસ્વાસને મંજૂરી આપી છે. નાણામંત્રીએ કહ્યું કે, Tocilizumab પર કોઈ ટેક્સ લાગશે નહીં.
આ સિવાય મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કોન્સ્ટ્રેટર, વેન્ટિલેટર, બાયપેપ મશીન, હાઈફ્લો નસલ કેનુલા, કોવિડ ટેસ્ટિંગ કિટ, પલ્સ ઓક્સિમીટર પર પણ જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય હેન્ડ સેનિટાઇઝર, ટેમ્પરેચર ચેક ઈક્વિપમેન્ટ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો છે. જ્યારે એમ્બ્યુલન્સ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. સીતારમણે એમ પણ કહ્યું કે, રસી પર 5 ટકા જીએસટી યથાવત રહેશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84,332 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,21,311 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 4002 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.
- કુલ કેસઃ બે કરોડ 93 લાખ 59 હજાર 155
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 79 લાખ 11 હજાર 384
- એક્ટિવ કેસઃ 10 લાખ 80 હજાર 690
- કુલ મૃત્યુઆંકઃ 3,67,081
દેશમાં 70 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છ. ભારતમાં સતત 30માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 24 કરોડ 96 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 33 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 62 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.