નવી દિલ્લી: ઓનલાઈન શોપિંગને ફેસ્ટીવ સિઝન આવતા સારો રિસપોંસ મળી રહ્યો છે. પણ કેટલાક લાલચી લોકોને કારણે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. જો કે આવા લાલચી અપરાધીઓ પકડાઈ પણ ગયા છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
ઈ-કોમર્સની દિગ્ગજ કંપની અમેઝોન માટે કુરિયર લઈ જનારા એક યુવકની ફરિયાદ બાદ બે લોકોની ધરપકડ થઈ છે. તેમના પર આરોપ છે કે તેમણે મોબાઈલ ફોનને બદલે સાબુ સાથે બદલી દીધો.
પૂર્વ દિલ્લીના ડીસીપી રિશીએ જણાવ્યું કે અમેઝોનના કુરિયર બોય મનોજ ઠાકુરે પોતાની ફરિયાદમાં કહ્યું કે તે સેમસંગ નોટ ફાઈવ આપવા માટે મધુરવિહારના સરનામે ગયો હતો. ત્યાં એક વ્યક્તિએ ફોનને સાબુ સાથે બદલી દીધો હતો.
ફરિયાદી રેહાનનામના વ્યક્તિના સરનામે ફોન આપવા ગયો હતો. પણ ત્યાં રેહાન હાજર ન હોવાથી મનોજે તેમને ફોન કર્યો ત્યારે રેહાને કહ્યું કે બીજા સરનામે ફોન આપી જવા કહ્યું.
બીજા સરનામે રેહાન ફોન લેવા આવ્યો ત્યારે પૈસા લેવાના બહાને તે ફોન લઈને ઘરે ચાલ્યો ગયો. જ્યાંથી પાછા આવતા તેણે કહ્યું કે ફોનનું બોક્સ પાછું આપી દીધુ અને પૈસા લેવાની ના પાડી દીધી. મનોજને પછી ખબર પડી કે ફોનના બોક્સમાં સાબુ મૂકીને આપવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન પોલીસ રેહાનના ઘરે પહોંચી અને જ્યાં રેહાનને બદલે મોહિત તોમર અને રોબિન ચૌહાણ મળ્યા. ફરિયાદીએ મોહિતની ઓળખ રેહાન તરીકે કરી. પૂછપરછમાં ખબર પડી કે મોહિતે જ નામ બદલીને રેહાન રાખ્યું હતું. તેણે ઘરની અંદર જઈને રોબિન સાથે મળીને ફોન લઈ લીધો અને તેને સાબુ સાથે બદલી નાખ્યો હતો.