નવી દિલ્લી/શ્રીનગર: કશ્મીરમાં તાજી થયેલી હિંસામાં બે લોકોના મર્યાના અહેવાલ છે. આ સાથે જ નવ સુરક્ષાકર્મીઓ સહિત 23 લોકો ઘાયલ થયા છે. ઘાટીના ઘણા ભાગોમાં ભીડે કર્ફ્યૂના ઉલ્લંઘન કરીને પથ્થરમારો કર્યો છે. ભીડની વચ્ચે સંદિગ્ધ આતંકવાદીઓએ એક પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરીને ગોળીબાર કર્યો છે.
આ દરમિયાન અલગતાવાદીઓએ કશ્મીરમાં બંધના આહ્વાનને બે દિવસ માટે વધારીને 18 જુલાઈ કર્યુ છે. કશ્મીરમાં સમસ્યાને કારણે અમરનાથ યાત્રા આજે સતત બીજા દિવસ સુધી રોકવામાં આવી છે. જમ્મુથી કોઈ પણ તીર્થ યાત્રીને ઘાટી તરફ જવાની પરવાનગી આપાવામાં આવી નથી.
અધિકારીઓએ ગત અઠવાડિયે હિજબુલ મુજાહિદીનના આતંકવાદી કમાંડર બુરહાન વાનીની મોત બાદ ઘાટીમાં હિંસા થઈ રહી છે. કશ્મીરના તમામ 10 જિલ્લામાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કુપવાડા જિલ્લાના દ્રગમુલ્લામાં ભીડે સુરક્ષાબળો પર હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં ગોળીબાર કરવામાં આવતા ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. જેમાંથી એક વ્યક્તિનું પછીથી મોત થયુ હતું. કુલગામના યારીપુરામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું.
આ સાથે ઘાટીમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી હિંસામાં મૃતકોની સંખ્યા 38 થઈ ગઈ છે. જેમાં એક પોલીસ અધિકારી પણ શામેલ છે.