નવી દિલ્હીઃ ધ અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેશન) અમેન્ડમેન્ટ બિલ 2019 (UAPA) ને લોકસભામાંથી મંજૂરી મળી ગઇ છે. આ બિલ પાસ કરાવવા માટે તમામ સભ્યોને ઉભા કરીને મત વિભાજન કરાવ્યું હતું. આ બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા જ્યારે વિરોધમાં ફક્ત આઠ મત પડ્યા હતા. આ બિલને આઠ જૂલાઇના રોજ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદ વિરુદ્ધ કડક કાયદાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. બિલમાં સંગઠનો સાથે સાથે આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલા વ્યક્તિને પણ આતંકી જાહેર કરવાની જોગવાઇ છે.


આ કાયદામાં આ જોગવાઇની શું જરૂર પડી જેના પર વાત કરતા અમિત શાહે આતંકી યાસીન ભટકલનું ઉદાહરણ આપતા કહ્યું કે, એનઆઇએ તેના સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીનને આતંકી સંગઠન જાહેર કર્યું હતું પરંતુ ભટકલને આતંકવાદી જાહેર કરવા માટે કાયદામાં કોઇ જોગવાઇ નહોતી. ગૃહમંત્રીએ કહ્યું કે, જેનો ફાયદો ઉઠાવતા ભટકલે 12 આતંકી ઘટનાઓને અંજામ આપ્યો હતો.

અમિત શાહે કહ્યું કે આ કાયદો કઇ સરકારે બનાવ્યો? કોણ તેમાં સંશોધન કરવા સતત કઠોર બનતું ગયું. જ્યારે તે કાયદો બન્યો ત્યારે તે એક યોગ્ય પગલું હતું. હવે તેમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. તે એક યોગ્ય પગલું છે. અમિત શાહે કહ્યું કે શાસનની ફરજ છે કે સુરક્ષા એજન્સીઓ દંતવિહિન કાયદો ના આપે. આ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માંગ પર કોગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.