મુંબઈ: શિવસેનાના સુત્રોએ દાવો કર્યો છે કે પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. આ સાથે જ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા આદિત્ય ઠાકરે શિક્ષણ મંત્રાલય જેવી મહત્વની જવાબદારી મળી શકે છે. આદિત્ય ઠાકરે સિવાય શિવસેનાના એકનાથ શિંદે, દિવાકર રાઉતે અને સુભાષ દેસાઈ પણ મંત્રી બનશે.

કૉંગ્રેસ તરફથી અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ,બાલાસાહેબ થોરાટ મંત્રી બની શકે છે. એક ઉપમુખ્યમંત્રી પદ કૉંગ્રેસને આપવાની વાત ચાલી રહી છે. એવામાં કૉંગ્રેસે નક્કી કરવાનું છે કે તેમના કયા નેતા ડિપ્યૂટી સીએમ બનશે. સુત્રોની જાણકારી મુજબ ડિપ્યૂટી સીએમની રેસમાં અશોક ચૌહાણનું નામ સૌથી આગળ છે.

એનસીપીની વાત કરવામાં આવે તો તેમના એક નેતાને ડિપ્યૂટી સીએમ બનાવાશે, સુત્રોની જાણકારી મુજબ અજિત પવાર ઉપમુખ્યમંત્રી બની શકે છે. અજિત પવાર, એનસીપીના ધારાસભ્ય દળના નેતા પણ છે. આ સિવાય જયંતપાટિલ, છગન ભુજબળ અને નવાબ મલિક પણ મંત્રી બનશે. ગૃહ મંત્રાલય એનસીપીને આપવામાં આવી શકે છે.

સૂત્રોની જાણકારી મુજબ મહારાષ્ટ્રમાં ત્રણેય પાર્ટીઓ વચ્ચે જે ફોમ્યૂલા નક્કી થયો છે તે મુજબ ચાર ધારાસભ્યો પર એક મંત્રી પદ આપવાની વાત છે. એવામાં શિવસેનાના 56 ધારાસભ્યો પર 14 મંત્રીપદ મળી શકે છે. એનસીપીના 54 ધારાસભ્યો પર 14 મંત્રાલય મળી શકે છે. કૉંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે, તો તેમના ખાતામાં 11 મંત્રાલય આવી શકે છે.