નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એકવાર ફરી રાજકારણ ગરમાયું છે. શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે પોતાના 18 સાંસદો સાથે આજે રામલલાના દરબારમાં પહોંચ્યા હતા અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમનું આ પગલું રામ મંદિરના નિર્માણ માટે મોદી સરકાર પર રાજકીય દબાણ બનાવવાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.


અયોધ્યામાં ઉદ્ધાવ ઠાકરેએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેન્દ્રમાં મજબૂત સરકાર છે. મોદી સરકાર ઇચ્છે તો મંદિર બનાવવા માટે પગલુ ભરશે તો અમે સાથ રહીશું. કેન્દ્ર સરકાર રામ મંદિર નિર્માણને લઇને નિર્ણય કરે અને જલદી રામ મંદિર બનાવે.


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ઓર્ડિનન્સ લાવીને મંદિર બનાવવામાં આવે. જો જરૂર પડી તો અમે મંદિર માટે ફરીથી આંદોલન શરૂ કરીશું. ઉદ્ધવે કહ્યું કે, છેલ્લી વખતે જ્યારે હું આવ્યો તો લોકોને લાગ્યું કે, હું રાજકારણ માટે આવ્યો છું પરંતુ ત્યારે મેં નારો આપ્યો હતો કે પ્રથમ મંદિર પછી સરકાર. ત્યારે મેં કહ્યુ હતુ કે, હું ચૂંટણી બાદ ફરીથી આવીશ. મેં મારું વચન પુરુ કર્યું છે. આજે હુ કહું છું કે મંદિર બનશે જ.

ઉદ્ધવ ઠાકરે સાથે આદિત્ય ઠાકરે પણ હતા. તે સિવાય શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ રામલલા મંદિરમાં પ્રાર્થના કરી હતી.  શિવસેના ચીફ સાથે 18 સાંસદો પણ હતા.