મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રદેશમાં નાણાર રિફાઇનરી પ્રોજેક્ટ વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ ના તમામ કેસ પરત લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેના આદેશ આપ્યા છે. નાણાર રિફાઇનરી મામલે શિવસેના અને ભાજપ સરકાર વચ્ચે પહેલાથી ખેંચતાણ ચાલી રહી હતી.
પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરેએ ત્યારે પણ પ્રોજેક્ટનો વિરોધ કરતા દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધ્યું છે. તેઓએ ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું હતું કે કંઇપણ થાય પરંતુ શિવસેના નાણાર ગામમાં આ પ્રોજેક્ટ શરૂ નહીં થવા દે. નોંધનીય છે કે હજારો એકર જમીન પર બનનારી તેલ રિફાયનરીના પ્રોજેક્ટ વિરુદ્ધ સ્થાનીય લોકો પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંકણ ક્ષેત્ર શિવસેનાનો ગઢ માનવામાં આવે છે. એવામાં લોકોનો પ્રોજેક્ટ વિરુદ્ધ રોષ જોઇને શિવસેનાએ પણ સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો.