આગામી બે દિવસમાં થશે શિવસેના-ભાજપ ગઠબંધનની જાહેરાત- ઉદ્ધવ ઠાકરે
abpasmita.in | 20 Sep 2019 08:01 PM (IST)
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું આગામી મહિને યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી શિવસેના-ભાજપ સાથે મળીને લડશે. તેમણે કહ્યું બેઠકોનો ફોર્મ્યૂલા આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે.
મુંબઈ: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે કહ્યું આગામી મહિને યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી શિવસેના-ભાજપ સાથે મળીને લડશે. તેમણે કહ્યું બેઠકોનો ફોર્મ્યૂલા આગામી બે દિવસમાં જાહેર કરવામાં આવશે. આગામી મહિને યોજાનારી ચૂંટણીને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, આ મીડિયા છે જે બંને પક્ષોને 135-135 બેઠકો પર ચૂંટણી લડવાનો રિપોર્ટ પ્રસારિત કરી રહ્યા છે. આ બેઠક પહેલા શિવસેના સચિવ અનિલ દેસાઈએ કહ્યું કે 22 સપ્ટેમ્બરે ભાજપ અઘ્યક્ષ અમિત શાહના મુંબઈ પ્રવાસના દિવસે અથવા એ પહેલા ગઠબંધનની જાહેરાત કરવામાં આવશે. 288 બેઠકો ધરાવતા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 126 બેઠકો પર અને ભાજપ 162 બેઠકો પર ચૂંટણી લડવા મુદ્દે દેસાઈએ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું બેઠકોને લઈને અંતિમ નિર્ણય ઠાકરે અને મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ કરશે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી દિવાકર રાવટેએ હાલમાં કહ્યું હતું કે જો શિવસેનાને 50 ટકા બેઠકો નહી મળે તો ગઠબંધન તૂટી જશે. થોડા દિવસો પહેલા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, ભાજપે 50-50 ફોર્મ્યૂલાનું સમ્માન કરવું જોઈએ જે શાહ અને ફડણવીસની ઉપસ્થિતિમાં નક્કી થયો હતો. ઉલ્લેખનીય છે કે બેઠકોને લઈને સહમતિ ન બનતા શિવસેના 2014માં વિધાનસભા ચૂંટણી એકલા લડ્યું હતું. બાદમાં ઓક્ટોબરમાં ભાજપે સરકાર બનાવી અને શિવસેના એ વર્ષે તેમાં સામેલ થઈ.