નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્ધારા આર્થિક મોરચા પર ઉઠાવાયેલા પગલા પર શેર બજારમાં તેજી આવી છે. પરંતુ કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ સરકારના નિર્ણયોની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ લખ્યું કે, શેરબજારમાં ઉછાળા માટે વડાપ્રધાન મોદી કાંઇ પણ કરવા તૈયાર છે એ પણ ત્યારે જ્યારે તેમનો #HowdyIndianEconomyનો ઉત્સવ પણ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ આ ટ્વિટમાં અમેરિકામાં યોજાનારા હાઉડી મોદી કાર્યક્રમને આડે હાથ લીધા હતા અને સરકાર તરફથી 1.45 લાખ કરોડના મહેસૂલ નુકસાનને હાઉડી મોદી કાર્યક્રમ સાથે જોડ્યું હતું. રાહુલે લખ્યુ કે હાઉડી મોદી કાર્યક્રમ દુનિયાનો સૌથી મોટો કાર્યક્રમ થનાર છે. કોગ્રેસ નેતાએ કહ્યુ કે, પરંતુ આ ઇવેન્ટ સત્યને છૂપાવી નહી શકે.
રાહુલ ગાંધીએ સરકારના કોર્પોરેટ કંપની પરનો ટેક્સ ઘટાડવાના નિર્ણયનો વિરોધ કર્યો છે તો બીજી તરફ વડાપ્રધાન મોદીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. વડાપ્રધાને ટ્વિટ કરી આ નિર્ણયો માટે નાણામંત્રીના વખાણ કર્યા હતા. નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણ શુક્રવારે જે જાહેરાત કરી હતી તેમાં કોર્પોરેટ ટેક્સમાં છૂટ, કેપિટલ ગેનના સરચાર્જમાં ઘટાડો જેવા નિર્ણયો સામેલ છે. જોકે, આ નિર્ણયો બાદ સરકાર પર 1.45 લાખ કરોડ રૂપિયાનો બોજ પડશે. જેના પર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધી અગાઉ સીપીઆઇ (એમ)નેતા સીતારામ યેચુરીએ પણ કેન્દ્ર સરકારના નિર્ણયોને પૂરતા ગણાવ્યા નહોતા. જેને સૌથી મોટું કૌભાંડ ગણાવ્યુ હતું. યેચુરીએ સરકાર પર આરબીઆઇ પાસેથી 1.76 લાખ કરોડ રૂપિયા લઇને કોર્પોરેટને 1.46 લાખ કરોડ આપવાનો આરોપ લગાવ્યો છે.