Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધના 12માં દિવસે આજે પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ફોન પર વાત કરી હતી. બંને વચ્ચે ફોન કોલ લગભગ 35 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ઝેલેન્સકી સાથે યુક્રેનમાં બની રહેલી સ્થિતિ પર ચર્ચા કરી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફોન કોલ દરમિયાન વડાપ્રધાન મોદીએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી સીધી વાતચીતની પ્રશંસા કરી હતી. પીએમએ યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં યુક્રેન સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો આભાર માન્યો હતો. વડાપ્રધાન મોદીએ સુમીમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના ચાલી રહેલા પ્રયાસોમાં યુક્રેન સરકારનું સમર્થન માંગ્યું હતું.
યુદ્ધના આ તબક્કે પીએમ મોદી માટે ઝેલેન્સકી સાથે વાત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ સાથે જ પીએમ મોદી આજે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરશે.
મોસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત બાદ ઈઝરાય પરત ફર્યાના કલાકો બાદ નેફ્તાલી બેનેટે કેબિનેટની બેઠક યોજી હતી. બેનેટે રવિવારે તેમની આ કેબિનેટની બેઠકમાં ઈઝરાયેલના વડાપ્રધાન નેફ્તાલી બેનેટે કહ્યું છે કે, તેમનો દેશ યુક્રેનને આ યુદ્ધનો કૂટનીતિક ઉકેલ શોધવામાં મદદ કરવાનું ચાલુ રાખશે, તેમ છતાં તેના પ્રયાસો સફળ થવાની સંભાવના નથી. આ દરમ્યાન પુતિને ફરી એકવાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી. ફ્રાન્સે કહ્યું હતું કે, તેમની વાતચીતમાં કંઈ ઉત્સાહજનક નહોતું.
ઉલ્લેખનીય છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન વિરુદ્ધ જાહેર કરેલા આ યુદ્ધને રોકવા માટે તૈયાર છે, પરંતુ તેમણે કહ્યું કે, યુદ્ધ ત્યારે જ રોકાશે જ્યારે યુક્રેન તેમની શરતોને સ્વીકારશે. આ દાવો તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથેની વાતચીતના આધારે કરવામાં આવ્યો છે. રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે વાતચીત થઈ. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને રવિવારે ટેલિફોન પર પુતિન સાથે વાત કરી હતી અને યુક્રેનમાં તાત્કાલિક સામાન્ય યુદ્ધવિરામની અપિલ કરી હતી.
રશિયાની એક મોટી શરત છે કે, યુક્રેન (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) નાટોનું સભ્ય ના બને. રશિયા ઘણા વર્ષોથી કહે છે કે, યુક્રેન જે ઈચ્છે તે કરે, પરંતુ તેણે નાટોમાં જોડાવું જોઈએ નહીં. રશિયાનો દાવો છે કે, યુક્રેન નાટોનું સભ્ય બનશે તો રશિયાની સુરક્ષા માટે ખતરો છે. નોંધનીય છે કે, નિષ્ણાતો માને છે કે, યુક્રેન સાથે રશિયાના યુદ્ધનું નાટો જ મુખ્ય કારણ છે. રશિયા-યુક્રેનના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 15 લાખ લોકો વિસ્થાપિત થયા છે. આ સાથે સેંકડો સૈનિકો શહીદ થયા છે.