નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સામાન્ય જનતાની  પ્રાઇવેસીને લઇને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં  ગુરુવારે કેન્દ્ર સરકારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ 2019ને  મંજૂરી આપી છે. હવે જો કોઇ કંપની, સાઇટ અથવા એપ તમારા ડેટાની ચોરી કરશે તો તેની પાસેથી ભારે દંડ વસૂલવામાં આવશે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાડવડેકરે આ જાણકારી આપી હતી.

આ બિલમાં અંગત ડેટાના સંચાલન સંબંધિત માળખું તૈયાર કરવાની વાત કરાઇ છે. જેમાં સાર્વજનિક અને અંગત એકમોના આંકડા સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે થયેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઇ હતી.


જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ બિલ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરાશે. બિલમાં પર્સનલ ડેટા હાંસલ કરવા, એકઠા કરવા અંગે વ્યાપક દિશાનિર્દેશ હોવાની સાથે જ વ્યક્તિઓની સહમતિ, દંડ, વળતર અને આચાર સંહિતા અને તેને લાગુ કરવાના મોડલનો ઉલ્લેખ કરાયો છે. છેલ્લા સપ્તાહમાં સૂચના અને ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, સરકાર જલદી સંસદમાં પર્સનલ ડેટાના  સંરક્ષણ માટે એક બિલ રજૂ કરશે.

સરકારે છેલ્લા વર્ષો આ બિલનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો જેનો અનેક વૈશ્વિક કંપનીઓએ વિરોધ કર્યો હતો. કંપનીઓનું કહેવું હતું કે તેનાથી તેમનો બિઝનેસ પ્રભાવિત થશે. સાથે સંચાલન ખર્ચ વધશે. ડ્રાફ્ટ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણ દ્ધારા જૂલાઇ 2018માં સોંપાયેલી રિપોર્ટ પર આધારિત હતો.પ્રસ્તાવિક બિલમાં ડેટા સુરક્ષાના નિયમોના ભંગ પર 15 કરોડ રૂપિયા અથવા કંપનીના કુલ ટર્નઓવરના  ચાર ટકા દંડ લગાવવાની જોગવાઇ છે.