નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કાલથી લઈને અત્યાર સુધીમાં 336 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 56 લોકોના મોત થયા છે, જેમાંથી 12 મોત કાલે થયા છે. તબ્લીગી જમાત સાથે જોડાયેલા 647 પોઝિટિવ કોરોના કેસ છેલ્લા બે દિવસમાં સામે આવ્યા છે. આ 14 રાજ્યોમાંથી સામે આવ્યા છે.




અત્યાર સુધીમાં 2301 કેસની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા બે દિવસમાં સામે આવેલા કોરોના વાયરસ સંક્રમણના 647 પોઝિટિવ કેસમાં તબ્લીગી જમાતના કાર્યક્રમ સાથે સંબંધ છે.



સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, અમે રાજ્યોને કહ્યું કે, ડોક્ટર્સ અને નર્સ પર હુમલા કરનારાઓ સાથે સખતાઈથી વર્તવામાં આવે. મંત્રાલયે આરોગ્ય એપ બહાર પાડી છે અને લોકોને અપીલ કરી છે કે આના દ્વારા શંકાસ્પદોની ઓળખ કરવામાં આવે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મરકજના દર્દીઓના કારણે અચાનક કોરોનાના કેસમાં વધારો થયો છે. પરંતુ હજુ દિલ્હીમાં કોરોના ફેલાવાનું ચાલુ નથી થયું. આ રીતે જ ધ્યાન રાખતા રહેજો. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.