નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનંત કુમારનું મોડી રાત્રે નિધન થયું હતું. તે કેન્સરથી પીડિત હતા અને તેમણે બેગલુરુ સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 59 વર્ષીય કુમાર મોદી સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. તે કર્ણાટકમાં બેંગલુરુ સાઉથથી સતત છ વખત સાંસદ રહ્યા છે. તેમણે લંડન અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી.


ભાજપના વરિષ્ઠ નેતાના નિધન પર વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ, બીજેપી નેતા સદાનંદ ગૌડા અને અમિત માલવીયે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું તેમના નિધનથી દુખી છું. તેમના કામોને હંમેશા યાદ કરવામાં આવશે. મે તેમની પત્ની સાથે વાત કરીને દુખ વ્યક્ત કર્યું છે. સંરક્ષણ મંત્રી સીતારમણે મોટું નુકસાન ગણાવ્યું તો સદાનંદ ગૌડાએ કહ્યું કે, મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે મારો એક દોસ્ત અને ભાઇ નથી રહ્યો.
અનંત કુમાર શરૂઆતથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એબીવીપી સાથે જોડાયેલા રહ્યા. 1996માં બીજેપીએ તેમને રાષ્ટ્રીય મહાસચિવ બનાવ્યા હતા. 1996માં તેઓ પ્રથમવાર બેંગલુરુ સાઉથથી સાંસદ બન્યા હતા. અનંત કુમાર અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમને સિવિલ એવિયેશન વિભાગની જવાબદારી મળી હતી. બાદમાં તેઓ ટુરિઝમ, સ્પોર્ટ્સ, કલ્ચર, શહેરી વિકાસ મંત્રી પણ રહી ચૂક્યા છે.