હરસિમરત કૌરે કહ્યું કે, મેં ખેડૂત વિરોધી અધ્યાદેશો અને કાયદાના વિરોધમાં કેન્દ્રિય મંત્રીમંડળમાં રાજીનામું આપ્યું છે. ખેડૂતોની સાથે તેમની દીકરી અને બહેનના રૂપમાં ઉભા રહેવા પર ગર્વ છે.
આ અગાઉ શિરોમણિ અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે લોકસભામાં કહ્યું કે પાર્ટી નેતા અને કેન્દ્રિય મંત્રી હરસિમરત કૌર બાદલ સંસદમાં લાવવામાં આવેલા કૃષિ સંબંધિત બિલના વિરોધમાં મોદી સરકારમાંથી રાજીનામું આપશે.
અગાઉ સંસદમાં ચર્ચામાં ભાગ લેતા સુખબીર બાદલે કહ્યું કે, શિરોમણી અકાલી દળ ખેડૂતોની પાર્ટી છે અને તે કૃષિ સંબંધિત આ બિલનો વિરોધ કરે છે. અમે ખેડૂતોની ભાવના જણાવી છે. અમે આ વિષયને તમામ મંચ પર ઉઠાવ્યો છે. અમે પ્રયાસ કર્યો કે ખેડૂતોની આશંકાઓ દૂર થાય પરંતુ એવું થયુ નથી.
તેમણે કહ્યુ કે, પંજાબના ખેડૂતો અનાજ મામલે દેશને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પંજાબમાં સતત સરકારોએ કૃષિ આધારભૂત ઢાંચો તૈયાર કરવામાં કામ કર્યું છે પરંતુ આ વટહુકમ તેમની 50 વર્ષની મહેનતની તપસ્યાને ખત્મ કરી દેશે.