નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં 24 માર્ચથી લગભગ ત્રણ મહિના સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જોકે ત્યારબાદ દેશમાં ફરીથી આર્થિક પ્રવૃતિઓ શરૂ કરવા માટે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લોકોને થોડા નિયંત્રણો સાથે છૂટછાટ આપવામાં આવી હતી.


કેન્દ્ર સરકારે એક જૂનથી અનલોક-1ની જાહેરાત કરી હતી જેમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય તમામ આર્થિક પ્રવૃતિઓની છૂટ આપી હતી. કન્ટેઇનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી કડક નિયમો લાગુ રહેશે. અનલોક-1ના 19 દિવસ પૂર્ણ થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં અનલોક-2 પર ધ્યાન કેન્દ્રિત કરવા તમામ સલામતીના પગલા ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ અઠવાડિયાની શરૂઆતમાં મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કોવિડ -19ના જે રાજ્યમાં કેસ વધારે છે ત્યાં વધારે સાવચેતી રાખવા પર ભાર મુક્યો હતો. જ્યારે જે રાજ્યમાં કેસ ઓછા થયા છે ત્યાં આરોગ્યની માળખાગત સુવિધાઓ વધારવા પર પણ ભાર મુકાયો હતો. 30 જૂન બાદ અનલોક-2ની જાહેરાત કરવામાં આવશે ત્યારે અનલોક-2માં લોકોને ક્યા પ્રકારની છૂટછાટ આપવામાં આવશે તેને લઇને અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં વડાપ્રધાને કહ્યું કે, અનલોક-2માં લોકોના આર્થિક નુકસાનને કઇ રીતે ઓછો કરી શકાય તે દિશામાં વિચાર કરવો જોઇએ. સાથે ઘટાડેલા પ્રતિબંધોના કારણે  દેશે આર્થિક વેગ પકડ્યો છે. મોંઘવારી નિયંત્રણમાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓને વેગ આપવા રાજ્યોએ પગલા ભરવા જ જોઇએ.

તે સિવાય રાજ્યોને કોરોનાના ટેસ્ટ, ટ્રેકિંગ, ટ્રેસિંગ પર ધ્યાન આપવું જોઇએ. સ્વસ્થ દર્દીની સંખ્યામાં વધારો દેશ માટે રાહતના સમાચાર છે. ઉપરાંત ઓછા દર્દીઓને આઇસીયૂ અને વેન્ટિલેટર પર રાખવા પડી રહ્યા છે.રાજ્યોએ વાયરસનો સામનો કરવાની ક્ષમતા વધારવા આરોગ્યની માળખાગત સુવિધાઓ, માહિતી પ્રણાલીઓ, અને લોકોની ભાગીદારી પર ભાર મુકવો જોઇએ. સાથે રાજ્યોએ આવા સંકટમાં હેલ્પલાઇન નંબરો પરથી લોકોને મદદ મળે તે સુનિશ્વિત કરવું જોઇએ. ટેલિમેડીસીન દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવા માટે મદદ કરવા વરિષ્ઠ ડોકટરો અને સ્વયંસેવકોની ટીમોની જરૂર રહેશે.

ઉપરાંત લોકોને સ્વચ્છતા કેળવવા માટે જાગૃત કરવા જોઇએ. તે સિવાય લોકો માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે પણ ખૂબ જરૂરી છે. જે રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધુ છે તે અન્ય રાજ્યો સાથે પોતાના અનુભવો શેર કરવા જોઇએ. લોકોને પણ કોરોનાને લઇને વધુ સતર્કતા રાખવા કહેવું જોઇએ. તે સિવાય તમામ નાગરિકો પોતાના ફોનમાં આરોગ્ય સેતું એપ ડાઉનલોડ ફરજિયાત કરે તે પણ ધ્યાન રાખવું જોઇએ.