સરકાર દ્વારા જો મલ્ટીપ્લેક્સ અને થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવે તો પણ માત્ર 6 ટકા લોકોએ જ આગામી 60 દિવસમાં મૂવી જોવા જવાની તૈયારી દર્શાવી હતી.
નવી દિલ્હીઃ લોકડાઉન 3 પૂરું થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 1 સપ્ટેમ્બરથી દેશમાં અનલોક-4 લાગુ થઈ જશે. અનલોક-4માં સ્કૂલ-કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે પરંતુ આ માટેનો નિર્ણય જે તે રાજ્ય સરકાર પર છોડવામાં આવી શકે છે તેવા રિપોર્ટ છે. આ દરમિયાન એક સંસ્થાએ 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ખુલે તો તમારા બાળકોને મોકલશો કે નહીં તેવો સર્વે કર્યો હતો. લોકલસર્કલ્સના સર્વે મુજબ, 62 ટકા વાલીએ 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખુલે તો પણ તેમના બાળકોને નહીં મોકલવાની ઘસીને ના પાડી દીધી હતી. 23 ટકા વાલી તેમના બાળકોને ફરીથી સ્કૂલે મોકલવા સહમત થયા હતા. જ્યારે 15 ટકા પેરેન્ટ્સ બાળકોને સ્કૂલે મોકલવા કે નહીં તે અંગે કોઈ નક્કર નિર્ણય લઈ શક્યા નહોતા. સરકાર દ્વારા જો મલ્ટીપ્લેક્સ અને થિયેટર ખોલવાની મંજૂરી આપવામાં આવે તો પણ માત્ર 6 ટકા લોકોએ જ આગામી 60 દિવસમાં મૂવી જોવા જવાની તૈયારી દર્શાવી હતી. જુલાઈમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 31 ટકા લોકોએ તેમના સોશિયલ નેટવર્કમાંથી એક કે તેથી વધુ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 61,408 કેસ નોંધાયા છે અને 836 લોકોના મોત થયા છે. જ્યારે 57,468 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 31,06,349 પર પહોંચી છે. જેમાંથી 23,38,036 લોકો ડિસ્ચાર્ડ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 57,542 લોકોને કોરોના ભરખી ગયો છે.