અયોધ્યાઃ અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમની શરૂઆત થઇ ચૂકી છે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી. કાર્યક્રમની શરૂઆતમાં  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, ભગવાન રામની પરંપરા પર આપણે તમામને ગૌરવનો અનુભવ થાય છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી રામરાજ્યની અવધારણાને સાકાર કરી છે.


અયોધ્યાના સરયૂ  ઘાટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આરતી કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. તે સિવાય અયોધ્યામા પાંચ લાખ 51 હજાર દીવડાઓ પ્રગટાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.




આ અવસર પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભારત કોઇને છેડતું  નથી પરંતુ  જો કોઇ છેડે  તો  પછી છોડતું નથી. આજે ભારત એ સ્થિતિમાં પહોંચી ચૂક્યું છે. યોગીએ કહ્યું કે, મોદી સરકારમાં કોઇ પણ જાતના ભેદભાવ વિના તમામનો વિકાસ થઇ રહ્યો છે. છેલ્લી સરકારો અયોધ્યાના નામથી ડરતી હતી. વડાપ્રધાન મોદીએ રામ રાજ્યની ધારણાને સાકાર કરી છે. મોદીએ ભારતની પરંપરાને વિશ્વ સમક્ષ મુકી છે. ભારત દુનિયામાં વિશ્વગુરુના  રૂપમાં સ્થાપિત થઇ રહ્યો છે.  યોગી સરકાર દિપોત્સવ માટે 133 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે.