લખનઉઃ યૂપીના ડીજીપી જાવેદ એહમદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં જાવેદ એહમદ ટેઝર ગનના ટ્રાયલમાં ખુદ પર ચલાવતા જોવા મળે છે. ગોળી વાગ્યા બાદ જાવેદ અહેમદ થોડા સમય માટે બેભાન થઈ ગયા. બાદમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ.


ઉલ્લેખનીય છે કે, ડીજીપી ઓફિસમાં ટેઝર ગનના ઉપયોગને લઈને મીટિંગ થઈ રહી હતી. યૂપી પોલિસ તેને ખરીદવાનીતૈયારીમાં છે. ડીજીપી જાણવા માગે છે કે ટેઝર ગનની ગોળી વાગવાથી શું થાય છે.

તેમણે પૂછ્યું, તમારામાંથી કોણ તૈયાર છે જેના પર તેનું પરિણક્ષ કરી શકાય. મીટિંગમાં હાજર અધિકારીમાંથી કોઈએ જવાબ ન આપ્યો. તે સમયે બેઠકમાં ADG, IGથી લઈને એસપી રેન્કના ઘણાં અધિકારી હાજર હતા. કોઈ જવાબ ન આવતા ખુદ ડીજીપી જાવેદ એહમદે કહ્યું કે, હું જ શોટ લઈશ, તમે મારા પર ટ્રાયલ કરો. જાવેદ એહમદ દ્વારા આટલું કહેતા જ મીટિંગ હોલમાં એકદમ શાંતી છવાઈ ગઈ.



જાવેદ એહમદ પર ટેઝર ગનના ટ્રાયલનો ત્રણ પોલિસ અધિકારીઓએ પોતાના સ્માર્ટફોનથી વીડિયો બનાવી લીધો. કોઈએ આ વીડિયોને IPS અધિકારીના વ્હોટ્સએપ ગ્રુપમાં નાંખ્યો. આઈપીએશ એસોસિએશને આ વીડિયોને ટ્વીટ કર્યો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટેઝર ગનની ગોળી ડીજીપી જાવેદ એહમદને પાછળના ભાગે મારવામાં આવી. પીઠમાં ગોળી લાગતા જ તેઓ જમીન પર પડી ગયા. બે પોલિસ અધિકારીએ તેમને પકડી રાખ્યા હતા. થોડા જ સેકન્ડ બાદ ડીજીપી સામાન્ય થઈ ગયા. પીઠના ભાગે જ્યાં ગોળી વાગી હતી ત્યાંથી લોહી પણ નીકળતું હતું.

શું છે ટેઝર ગન?

હિંસક ભીડ અને તોફાનીઓને નિયંત્રણમાં લેવા માટે ટેઝર ગન અસરદાર સાબિત થઈ છે. તેમાંથી ગોળી છોડવાથી પિનના આકારની બે ગોળી નીકળે છે. તેનાથી વીજળીનો એક તીવ્ર આંચકો લાગ્યો હોય તેવું લાગે છે. ગોળી લાગ્યા બાદ 3-5 સેકન્ડ માટે વ્યક્તિ બેભાન થઈ જાય છે. ટેઝર ગનની ગોળીથી સ્નાયુઓ જકડાઈ જાય છે. યૂપીની ATS પહેલા જ તેને ખરીદી ચૂકી છે. વિશ્વના ઘણાં દેશ અને દેશના ઘણાં રાજ્યમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે.