ભારતીય જનતા પાર્ટીએ ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહને ઉત્તર પ્રદેશ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. તેમની સાથે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુવર દાસને પણ યુપીના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. આ સિવાય ભાજપે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને ઉત્તરાખંડ માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે.


ભાજપે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને  કિરન રિજિજુને મણિપુર માટે નિરીક્ષક તરીકે મોકલવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને એલ મુર્ગનને ગોવા માટે નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.



તમને જણાવી દઈએ કે 10 માર્ચે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા.  તેમાંથી ભાજપે ચાર રાજ્યો યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જંગી જીત મેળવી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં 255 બેઠકો, મણિપુરમાં 32 બેઠકો, ઉત્તરાખંડમાં 47 બેઠકો અને ગોવામાં 20 બેઠકો જીતી છે. ગોવા ઉપરાંત બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે.



20 કે 21 માર્ચે શપથ ગ્રહણ શક્ય છે


સૂત્રોના જણાવ્યા અનુસાર શપથ ગ્રહણ લખનઉના ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. યુપીના જિલ્લાઓમાં એલઈડી સ્ક્રીન લગાવીને શપથ ગ્રહણ બતાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓને આમંત્રિત કરી શકાય છે. એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર હોળી પછી 20 કે 21 માર્ચે યોગી લખનઉમાં સીએમ પદના શપથ લઈ શકે છે.


ઉત્તર પ્રદેશના કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત પછી દિલ્લીની પ્રથમ મુલાકાતમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. 5 વાગ્યે શરૂ થયેલી બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ યોગી આદિત્યનાથને યુપીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મીટિંગની માહિતી આપી હતી. PM મોદીએ લખ્યું, "આજે યોગી આદિત્યનાથજીને મળ્યા. ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ તેમને અભિનંદન. છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરી છે. મને ખાતરી છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઉંચાઈઓ પર લઈ જશે."