ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધી યોજાયેલ 6 તબક્કાના મતદાનમાં 349 વિધાનસભા સીટોનું મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. આજે છેલ્લા 7 તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. વિધાનસભા ચૂંટણીના પરીણામ 10 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. 


ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણીના આ દંગલના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે પીએમ મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સપા પ્રમુખ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકોને વોટ કરવાની અપીલ કરી છે.


ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો સાતમો અને અંતિમ તબક્કો છે, હું તમામ મતદારોને ઉત્તર પ્રદેશમાં જન કલ્યાણ અને વિકાસની યાત્રા ચાલુ રાખવા માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું. તમારો એક મત ઉત્તર પ્રદેશના સમૃદ્ધ અને સુરક્ષિત ભવિષ્યનો આધાર છે.


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખ્યું કે, આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી-2022નો છેલ્લો તબક્કો છે. તમામ આદરણીય મતદારોએ રાષ્ટ્રવાદ, વિકાસ અને સુશાસનની જીત માટે મતદાન કરવું જ જોઈએ. તમારો એક મત તમારા રાજ્યને માફિયાવાદીઓ, તોફાનીઓ અને ઉગ્ર પરિવારવાદીઓથી બચાવશે. તો પહેલા વોટ કરો પછી નાસ્તો કરો.







સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું, નવા શુભારંભ માટે આજે અંતિ સાતમા તબક્કાના મતદાનમાં તમારો વોટ અવશ્ય આપો, સાથે જ અન્ય મતદારોને પણ મતાધિકારનો સદઉપયોગ કરવા માટે પ્રેરિત કરો. જેટલું વધુ મતદાન થશે લોકતંત્ર એટલું જ મજબુત થશે.






કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ, આજે ચૂંટણીનો છેલ્લો તબક્કો છે. રાજ્ય માટે એવી રાજનીતિ પસંદ કરો જે તમારા જીવનને અસર કરતા મુદ્દાઓ વિશે વાત કરે. એવી રાજનીતિ પસંદ કરો જે તમારી સામે તમારું જીવન વધુ સારું બનાવવાનો વિકલ્પ રાખે. સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક મતદાન કરો.


BSP પ્રમુખ માયાવતીએ કહ્યું, 'યુપીમાં છેલ્લા ચાર શાસનકાળમાં ઓછી વાત અને કામ વધુ કરવાનો BSPનો ઉત્તમ રેકોર્ડ પ્રત્યક્ષ પુરાવાઓ સાથે જનતાની સામે છે. તેથી જ સમગ્ર સમાજને અપીલ છે કે દરેક મતદાન મથકને જીતાડવું પડશે. બસપાને સત્તામાં લાવવાની સાથે સારું ઉત્તર પ્રદેશ બનાવવાનો ઈમાનદાર પ્રયાસ ચાલુ રાખો.