UP Elections 2022: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ મોટો ખેલ પાડીને સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવને ભાજપમાં સામેલ કરાવવામાં સફળ રહ્યું છે. અપર્ણા યાદવ આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા હતા. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસેગં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા.


અપર્ણાએ શું કહ્યું


ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે ગુંડાગીરીનો ઉલ્લેખ કરીને એસપી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, "સપાના શાસનમાં ગુંડાઓને મોકળું મેદાન મળતું હતું. બહેન-દીકરીઓ સુરક્ષિત નહોતી. સાંજ થતાં જ ઘરના દરવાજા બંધ થઈ જતા હતા.







2017માં ભાજપના ઉમેદવાર સામે અપર્ણાની થઈ હતી હાર


અપર્ણા યાદવ 2017માં લખનઉની કેંટ સીટથી ચૂંટણી લડ્યા હતા. જોકે સમાજવાદી પાર્ટીના ઉમેદવાક બીજેપીના ઉમેદવાર રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. અપર્ણાને આશરે 63 હજાર વોટ મળ્યા હતા. રીટા બહુગુણા જોશી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી થઈ હતી અને 2019માં પેટા ચૂંટણીમાં ભાજપના સુરેશ ચંદ તિવારી ધારાસભ્ય બન્યા હતા.


કોણ છે અપર્ણા યાદવ


અર્પણા યાદવ મુલાયમ સિંહ યાદવના બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. પ્રતીક અને અપર્ણા વર્ષો સુધી પ્રેમ સંબંધમાં રહ્યા અને 2011માં તેઓએ લગ્ન કરી લીધા હતા. અપર્ણા  યાદવને યોગી સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી છે. અપર્ણાએ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે મુલાકાત કરી હતી ત્યારે જ તેમના ભાજપમાં જોડાવાના સંકેતો મળી ગયા હતા. અપર્ણા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ અવાર નવાર વખાણ પણ કરી ચુક્યા છે.  


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ