Aparna Yadav Joins BJP: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્રવધૂ અપર્ણા યાદવ યુપી ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા છે.  તે ચૂંટણી લડશે કે નહીં તે અંગે સસ્પેંસ છે.  બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમનો ભાજપમાં પ્રવેશ કરાવ્યો. આ પ્રસેગં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર હતા.અપર્ણા મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના યાદવના પુત્ર પ્રતીક યાદવની પત્ની છે. 


2017માં સપામાંથી ચૂંટણી લડ્યા હતા અપર્ણા યાદવ


અપર્ણા યાદવ 2017માં લખનઉની કેંટ સીટથી ચૂંટણી લડ્યા હતા. જોકે સમાજવાદી પાર્ટીના ઉમેદવાક બીજેપીના ઉમેદવાર રીટા બહુગુણા જોશી સામે હારી ગયા હતા. અપર્ણાને આશરે 63 હજાર વોટ મળ્યા હતા. રીટા બહુગુણા જોશી સાંસદ બન્યા બાદ આ સીટ ખાલી થઈ હતી અને 2019માં પેટા ચૂંટણીમાં ભાજપના સુરેશ ચંદ તિવારી ધારાસભ્ય બન્યા હતા.


અપર્ણાએ અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે મુલાકાત કરી હતી ત્યારે જ તેમના ભાજપમાં જોડાવાના સંકેતો મળી ગયા હતા. અપર્ણા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ અવાર નવાર વખાણ પણ કરી ચુક્યા છે.  નોંધનીય છે કે અપર્ણા યાદવ મુલાયમસિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે. પ્રતીક અને અપર્ણા વર્ષો સુધી પ્રેમ સંબંધમાં રહ્યા અને 2011માં તેઓએ લગ્ન કરી લીધા હતા. અપર્ણા  યાદવને યોગી સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી છે.






યોગી સરકારમાં સ્વામી પ્રસાદ મૌર્ય, દારા સિંહ ચૌહાણ, ધરમ સિંહ સૈની સહિતના મંત્રીઓ અને તેમના સમર્થકો ભાજપ છોડીને સમાજવાદી પાર્ટીમાં જોડાયા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.


ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન


- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન


- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન


- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન


- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન


- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન


- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન


- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન


- 10 માર્ચે પરિણામ