UP News: ઉત્તરપ્રદેશના કુશીનગરમાંથી એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, કુશીનગરના ઉર્ધા ગામમાં આગ લાગવાની ઘટનામાં એક જ પરિવારના 6 લોકોના કરૂણ મોત થયા છે. આ દૂર્ઘટનામાં મૃતકોમાં એક મહિલા અને તેના 5 બાળકો બળીને ખાખ થઇ ગયા છે. ગઇ મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટના સમયે પિતા નવમી ઘરની બહાર સૂઇ રહ્યાં હતા, જ્યારે તેમની પત્ની સંગીતા તેમના 5 બાળકો સાથે ઘરની અંદર સૂઈ રહી હતી. સંગીતા અને તેના 5 બાળકો સૂઇ રહ્યાં હતા, તે દરમિયાન આગ લાગવાને કારણે ઘરની અંદર ફસાઈ ગયા હતા, આ ઘટનામાં તમામ લોકો સળગી જવાને કારણે દરેકના મોત થયા હતા.


ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો, અને મૃતદેહોને બહાર કાઠવામાં આવ્યા હતા, ઘટનાની માહિતી મળતાં જ ડીએમ અને એસપી રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલીને મામલાની તપાસના આદેશ આપ્યા છે. રામકોલા નગરના ઉર્ધા નંબર 2માં નવમી નામનો વ્યક્તિ જમ્યા બાદ તેની પત્ની અને 5 બાળકો સાથે સૂઈ ગયો હતો. ગરમીના કારણે નવમી ઘરની બહાર સૂઇ રહ્યો હતો, અને તેની પત્ની સંગીતા અને બાળકો અંકિત, લક્ષ્મીણા, રીટા, ગીતા અને બાબુ ઘરની અંદર સૂઈ ગયા હતા. રાત્રે અચાનક ઘરમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ ફરી વળી હતી, આ દ્રશ્યો જોઇને નવમીની આંખ ખુલી ગઈ.


પિતા નવમીએ આગ હોલવવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કેનાલ કિનારે એકલવાયું મકાન હોવાને કારણે ગામના લોકો પણ તાત્કાલિક પહોંચી શક્યા ન હતા, જેના કારણે આગ હોલવવામાં વિલંબ થયો હતો. જેના કારણે આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. થોડીજ વારમાં 38 વર્ષની સંગીતા, 10 વર્ષીય અંકિત, 9 વર્ષની લક્ષ્મીના, 3 વર્ષની રીટા, 2 વર્ષની ગીતા અને 1 વર્ષનો બાબુ દાઝી ગયા હતા. દૂર્ઘટનાની જાણ થતાં રામકોલા પોલીસ સ્ટેશનની પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધા બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આગ લાગવાના કારણો હજુ જાણવા મળ્યા નથી. ડીએમ રમેશ રંજન અને એસપી ધવલ જયસ્વાલ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘટનાનો તાગ મેળવ્યો. ડીએમએ ઘટનાના કારણની તપાસના આદેશ આપ્યા છે.


ઉતાવળમાં લોકોએ ઘટના અંગે ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓને જાણ કરી હતી, પરંતુ મહિલા અને પાંચ બાળકોને આગમાંથી બચાવી શકાયા ન હતા. આખો પરિવાર જીવતો સળગી ગયો. વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરી હતી. ઘરમાં આગ કેવી રીતે લાગી, તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોની પૂછપરછ કરી. પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી લીધો છે. એક જ પરિવારના છ લોકોના મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસ ઘટનાની તપાસમાં લાગેલી છે.