Bank Account: ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાંથી એક એવા સમાચાર આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા હતા. અહીંના સુરિયાવાન પોલીસ સ્ટેશન વિસ્તારના અર્જુનપુર ગામના રહેવાસી એક યુવકના ખાતામાં 99 અબજથી વધુ રૂપિયા આવ્યા હતા. આ જાણકારી મળતા જ ખાતાધારક જ નહીં પરંતુ બેન્ક મેનેજરના પણ હોશ ઉડી ગયા હતા. મેનેજરના જણાવ્યા અનુસાર, ભાનુ પ્રકાશના કિસાન ક્રેડિડ કાર્ડ(KCC) ખાતામાં બાકી લેણાંને કારણે આવું થયું છે અને હાલમાં એકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. જો કે જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.


શું છે સમગ્ર મામલો


દુર્ગાગંજના અર્જુનપુર ગામના રહેવાસી ભાનુપ્રકાશ બિંદનું સુરિયાવાનની બેન્ક ઓફ બરોડા ગ્રામીણ બેન્કમાં ખાતું છે. ગુરુવારે, 16 મેના રોજ અચાનક તેમના ખાતામાં 99999495999.99 રૂપિયા (99 અબજ 99 કરોડ 94 લાખ 95 હજાર 999 રૂપિયા) જમા થયા હતા. આટલી મોટી રકમ અચાનક ખાતામાં આવતા બેન્ક કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તરત જ ખાતાધારક ભાનુપ્રકાશ બિંદને આ અંગેની જાણ કરી હતી. માહિતી મળતાં જ તેઓ બેન્કમાં પહોંચ્યા હતા જ્યાં બેન્ક ખાતાધારક ભાનુપ્રકાશ પોતાના ખાતામાં આટલી મોટી રકમ જોઈને ચોંકી ઉઠ્યા હતા.


બેન્ક મેનેજર આશિષ તિવારીએ મહત્વની માહિતી આપી હતી


ઈન્ચાર્જ બેન્ક મેનેજર આશિષ તિવારીએ જણાવ્યું કે ખાતાધારક ભાનુ પ્રતાપનું KCC ખાતું હતું અને તે ખાતા દ્વારા તેમણે ખેતર પર લોન લીધી હતી. ખાતું NPA થયા બાદ આવી ખોટી રકમ દેખાય છે અને એકાઉન્ટને હોલ્ડ પર રાખવામાં આવે છે. તેમણે કહ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન એકાઉન્ટ નોન-પર્ફોર્મિંગ એસેટ (NPA) બન્યા પછી સોફ્ટવેરની ખામીને કારણે માઈનસ ચિહ્ન દેખાતું ન હોવાને કારણે આટલી મોટી રકમ ખાતામાં દેખાઈ રહી હતી. આ ભૂલની જાણ થતાં જ બેન્કે તાત્કાલિક પગલાં લીધાં લીધાં.