લખનઉઃ ભગવાન હનુમાનની જાતિ બતાવવા માટે નેતાઓમાં જાણે રેસ લાગી હોય તેવું લાગી રહ્યું છે. હવે ઉત્તરપ્રદેશના એક મંત્રીએ હનુમાનજી જાટ હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ હનુમાનજી દલિત, આદિવાસી અને મુસલમાન હોવાનું કહેવામાં આવી ચૂક્યું છે. ઉત્તર પ્રદેશ સરકારમાં મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણનું કહેવું છે કે તેમને લાગે છે કે હનુમાનજી જાટ હતા કારણ કે તેમનો સ્વભાવ આ સમુદાય સાથે મળે છે.
મંત્રીના મતે આપણે કોઇના સ્વભાવથી જાણીએ છીએ કે આ લોકો ક્યા વંશના છે. જેમ કે વૈશ્ય સમાજ અંગે એવું માનવામાં આવે છે કે તેઓ અગ્રસેનના વંશજ છે અગ્રસેન મહારાજ સ્વયં વ્યાપાર કરતા હતા. જો કોઇની સાથે અન્યાય થાય છે તો જાટ કાંઇ પણ વિચાર્યા વિના તેમાં કૂદી પડે છે. એવો જ હનુમાનજીનો પણ સ્વભાવ હતો. સીતાની શોધ કરવા માટે તેઓ ભગવાન રામના દાસ તરીકે સામેલ થયા. એ રીતે જે હનુમાનજીની પ્રવૃતિ છે તે જાટોની પ્રવૃતિ સાથે મળે છે. એટલા માટે મેં કહ્યું કે, હનુમાનજી જાટ જ હશે.
નોંધનીય છે કે આ અગાઉ ભાજપના એમએલસી બુક્કલ નવાબે કહ્યું હતું કે, હનુમાનજી મુસલમાન હતા. નવાબના કહેવા પ્રમાણે જ્યારે હનુમાનજીને જાતિ અને ધર્મમાં વહેંચવાની વાત આવે છે ત્યારે અમે તમને જણાવી દઇએ કે હનુમાનજી આખા વિશ્વના હતા. તમામ ધર્મના, જાતિના હતા. જ્યાં સુધી મારુ માનવું છે કે હનુમાનજી મુસલમાન હતા જેથી અમારે ત્યાં જે નામ રાખવામાં આવે છે, રહમાન, રમઝાન, ફરમાન, જિશાન, કુર્બાન, જેટલા પણ નામ રાખવામાં આવે છે તે લગભગ હનુમાનજીના નામ પર જ રાખે છે અથવા તેમની સાથે મેળ ખાતા હોય તેવા રાખે છે.