UP News: બજારમાં ટામેટાંની વધતી કિંમતો અંગે વિવિધ ચર્ચાઓ વચ્ચે એક શાકભાજી વેચનાર વેપારીએ વારાણસીના લંકા વિસ્તારમાં તેના ટામેટાંના સ્ટોકની સુરક્ષા માટે બે બાઉન્સર તૈનાત કર્યા છે. આ ઘટના ખૂબ ચર્ચાનો વિષય બની છે. શાકભાજી વેચનાર અજય ફૌજી સમાજવાદી પાર્ટીનો કાર્યકર છે. ગયા અઠવાડિયે પાર્ટીના વડા અખિલેશ યાદવના જન્મદિવસ પર તેમણે ટામેટાના આકારની કેક કાપી અને લોકોમાં ટામેટાં વહેંચ્યા હતા.






આ અંગે અજયે કહ્યું હતું કે 'બાઉન્સર લગાવવામાં આવ્યા છે કારણ કે તમે પહેલેથી જ ટામેટાંની મોંઘવારી જોઈ રહ્યા છો. ટામેટાં માટે લડાઈ અને લૂંટફાટ થઈ રહી છે. આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની છે. અમે ટામેટાંનો ઓર્ડર આપ્યો છે જેથી અહીં કોઈ લડાઈ ન થાય, તેથી અમે બાઉન્સર લગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે , 'ટામેટાંના ઊંચા ભાવને કારણે મને ટામેટાં ખરીદતી વખતે લોકો વચ્ચે લડાઇ થયાની ઘટનાઓની જાણકારી મળી હતી. અમારી દુકાને આવતા લોકોએ પણ આવું જ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મે મારી દુકાન પર બાઉન્સર તૈનાત કરવાનું નક્કી કર્યું હતું.


સાંજે 5 વાગ્યા સુધી ફરજ બજાવે છે


અજયે કહ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં તેણે તેની દુકાન પર સાદા કપડામાં બાઉન્સર તૈનાત કર્યા હતા, પરંતુ જ્યારે ટામેટાં ખરીદવા આવેલા ગ્રાહકોએ વધુ સોદાબાજી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે વર્દીધારી બાઉન્સરો તૈનાત કર્યા. આ દિવસોમાં 140 થી 160 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચી રહેલા અજયે જણાવ્યું કે દુકાન પર તૈનાત બંને બાઉન્સર સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ફરજ પર હોય છે. જો કે, તેમણે બાઉન્સરોને કરવામાં આવેલી ચૂકવણી અંગેની વિગતો આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, "કોઈ એજન્સી મફતમાં બાઉન્સરો આપશે નહીં."


તેમણે કહ્યું હતું કે 'જ્યાં સુધી મારી પાસે ટામેટાંનો સ્ટોક છે ત્યાં સુધી હું મારી દુકાન પર બાઉન્સર મુકીશ.' બાઉન્સર તૈનાત થયા પછી ગ્રાહકો દુકાને આવતાં અચકાતા નથી તેવા પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે  'લોકો દુકાને આવે છે, ભાવ પૂછે છે. બાઉન્સરોને પૈસા ચૂકવે છે અને તેમની પાસેથી સામાન લઇ લે છે. કેટલાક લોકો બાઉન્સર જોવા માટે ઉત્સુકતા સાથે દુકાન પર પણ આવે છે, કારણ કે શાકભાજીની દુકાન પર બાઉન્સર મુકવા તે તેમના માટે અનોખી બાબત છે.


આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે અજય સાથે સંબંધિત એક વીડિયો ક્લિપ શેર કરી અને ટ્વિટ કર્યું, "ભાજપ ટામેટાને 'Z+' સુરક્ષા આપે." અગાઉ, 1 જૂલાઈના રોજ અખિલેશ યાદવના જન્મદિવસના અવસર પર અજય અને અન્ય પક્ષના કાર્યકરોએ ટામેટાના આકારની કેક કાપી હતી અને તેની વધતી કિંમતને ધ્યાનમાં રાખીને લોકોમાં ટામેટાં વહેંચ્યા હતા.