Uttar Pradesh Election Results 2022: ઉત્તર પ્રદેશમાં 18મી વિધાનસભાની રચના માટે મતગણતરી ચાલી રહી છે. આજના પરિણામો બાદ એ સ્પષ્ટ થશે કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ સતત બીજી વખત સરકાર બનાવીને રેકોર્ડ સર્જે છે કે પછી સપા પાંચ વર્ષ બાદ ફરી સત્તામાં આવે છે. જોકે, શરૂઆતના વલણોમાં ભાજપે બહુમતી મેળવી છે. સવારે 9:44 વાગ્યે ભાજપે બહુમત માટે 202નો આંકડો પાર કર્યો.


આ સાથે જ સમાજવાદી પાર્ટીનો આંકડો પણ 100ને પાર કરી ગયો છે. બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઘણી પાછળ છે. યુપીમાં આ બંને પક્ષોના આંકડા સિંગલ ડિજિટમાં છે. બંન્ને પક્ષોની રાજનીતિમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.


યુપીમાં વોટ ટકાવારી


આ વખતે પણ વોટ ટકાવારીમાં ભાજપ સૌથી આગળ છે. ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર રાત્રે 9.30 વાગ્યા સુધી ભાજપનો વોટ શેર 41.2 ટકા હતો. આ પછી સમાજવાદી પાર્ટી 29.7 ટકા વોટ ટકા સાથે બીજા ક્રમે છે. તે જ સમયે, બસપાના ખાતામાં અત્યાર સુધી માત્ર 14.4 ટકા વોટ ટકા આવ્યા છે.



તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022માં 4442 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાંથી 560 મહિલાઓ છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની મત ગણતરી માટે, દરેક 403 વિધાનસભામાં એક-એક નિરીક્ષક તૈનાત છે. મતગણતરી માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં કુલ 84 કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. તેમાંથી, આગ્રામાં પાંચ મતગણતરી કેન્દ્રો, અમેઠી, આંબેડકર નગર, દેવરિયા, મેરઠ અને આઝમગઢમાં બે-બે અને બાકીના જિલ્લાઓમાં એક-એક કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. કોવિડ-19 પ્રોટોકોલને અનુસરવા માટે મતગણતરી સ્થળ પર સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્સ અને થર્મલ સ્કેનરની વ્યવસ્થા કરવામાં આવી છે.


ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 403 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને 312, સમાજવાદી પાર્ટીને 47, બહુજન સમાજ પાર્ટીને 19, અપના દળ (એસ)ને નવ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીને ચાર, અપક્ષોને ત્રણ અને નિષાદ પાર્ટીને 3 બેઠકો મળી હતી. રાષ્ટ્રીય લોકદળને એક-એક બેઠક મળી. 2022ના એક્ઝિટ પોલમાં ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે તેમાં પણ સપાની બેઠકો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય બીએસપીને ડબલ ડિજિટમાં અને કોંગ્રેસને 10થી ઓછી સીટો મળવાનો અંદાજ છે.