નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના નવા ગર્નવર ઉર્જિત પટેલની સાદગીએ નીતિ આયોગના અધિકારીઓના મુંઝવણમાં મુકી દીધા. બન્યું એવું કે, ભારતીય રિઝર્વ બેંકના 24માં ગવર્નર તરીકે મંગળવારે પદભાર સંભાળ્યા બાદ ઉર્જિત પટેલ નીતિ આયોગની સાથે પોતાની પ્રથમ બેઠક માટે દિલ્હીના સંસદન માર્ગ સ્થિત મુખ્ય કાર્યાલય પહોંચ્યા.
ઉર્જિત પટેલની નીતિ આયોગના ચેરમેન અરવિંદ પાનગઢિયાની સાથે મંગળવારે સાંજે વાતચીતનો કાર્યક્રમ નક્કી હતો. નીતિ આયોગના મુખ્ય કાર્યાલયના અધિકારીઓએ ઉર્જિત પટેલના સ્વાગત માટે જરૂરી તૈયારી પૂરી કરી લીધી હતી અને એક ઉચ્ચ અધિકારી કાર્યાલયના રિસેપ્શન પર તેમની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જ કાર્યાલયના ગેટ પર એક મોંઘી કાર આવીને ઉભી રહી અને એ અધિકારીએ ઘડિયાળમાં સમય જોયો. ઉર્જિત પટેલના આવવાનો સમય પણ થઈ ગયો હતો. અધિકારી તે મોંઘી કારની આગળ ગયા અને તેમાંથી ઉતરેલ વ્યક્તિનું સ્વાગત કર્યું અને તેને ઉર્જિત પટેલ સમજીને નીતિ આયોગ કાર્યાલયના મુખ્ય ગેટ સુધી લઈ ગયા.
તેની થોડી મીનિટ બાદ ઉર્જિત પટેલ પણ પોતાની કારથી ત્યાં પહોંચ્યા અને હાથમાં દસ્તાવેજનું બંડલ લઈને એકલા જ નીતિ આયોગના મુખ્ય કાર્યાલયના મુખ્ય ગેટ પર પહોંચ્યા. મુખ્ય ગેટ પર હાર સીઆઈએસએફના જવાન ઉર્જિત પટેલને ન ઓળખી શક્યા અને તેને અંદર જવાથી રોકતા પોતાનું આઈડી કાર્ડ બતાવવા માટે કહ્યું. ઉર્જિત પટેલે કોઈ પણ દંભ વગર એક સામાન્ય વ્યક્તિની જેમ સીઆઈએસએફ જવાનને પોતાનું આઈકાર્ડ બતાવ્યું, ત્યાર બાદ જવાને તેમને અંદર જવા દીધા.