મોદી સરકારે હવે કોરોના રસીના બૂસ્ટર ડોઝને લઇને મોટો નિર્ણય લીધો છે. હવે તમામ લોકો માટે મફતમાં બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. કોરોનાના વધતા જતા કેસ વચ્ચે સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
હાલમાં દેશમાં દરરોજ 15 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. એવામાં તમામ લોકો કોરોનાની રસી અને બુસ્ટર ડોઝ લે માટે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારે બુસ્ટર ડોઝ 18 વર્ષથી વધુ વયના લોકોને મફતમાં આપવાની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે 15 જૂલાઇથી આગામી 75 દિવસો સુધી બુસ્ટર ડોઝ અંગે અભિયાન ચલાવવામાં આવશે. હાલમાં દેશના 199 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સરકારે બૂસ્ટર ડોઝ લેવા માટેના સમયગાળામાં ઘટાડો કર્યો હતો. પ્રથમ બે ડોઝ લીધાના 9 મહિના પછી જ વ્યક્તિને બૂસ્ટર મળી શકે છે, પરંતુ હવે તે સમય પણ ઘટાડીને 6 મહિના કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર 18 થી 59 વર્ષની વયજૂથના 77 કરોડ લોકોને જ બૂસ્ટર ડોઝ મળ્યો છે. આવી સ્થિતિમાં આ આંકડો વધારવા માટે આ મફત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં એક દિવસના ઘટાડા બાદ ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 16,906 નવા કેસ નોંધાયા અને 45 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 15,447 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.30 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.23 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,32,457 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,519 થયો છે. અત્યાર સુધીમાં 4,30,11,874 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 199,12,79,010 થયો છે, જેમાંથી ગઈકાલે 11,15,068 ડોઝ આપવામાં આવ્યા હતા.