પાકિસ્તાન સતત દુનિયાને એ દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી કોઈ નુકસાન નથી થયું. જોકે અમેરિકામાં રહેતા પાકિસ્તાનના ગિલગિટ પ્રાંતના એક્ટિવિસ્ટ સેંગે હસનાન સેરિંગે એક વીડિયો શેર કરીને બાલાકોટ એર સ્ટ્રાઈકને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સેરિંગે દાવો કર્યો કે, સ્થાનિક અખબારોમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, એર સ્ટ્રાઈક બાદ 200 આતંકીઓના શબને પાકિસ્તાન સેનાએ બાલાકોટથી ખૈબર પખ્તૂનખ્વા પહોંચાડી દીધા હતા.



સેરિંગે ટ્વિટર પર બે મિનિટ 20 સેકન્ડના આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓએ 200થી વધુ આતંકીઓને દફનાવવાની વાત કબૂલ કરી છે. આતંકી મુઝાહિદને અલ્લાહથી મળેલી ખાસ સૌગાતની વાત કરતાં તેઓએ કહ્યું હતું કે, આ લોકો પાકિસ્તાન સરકાર માટે દુશ્મનની વિરૂદ્ધ કામ કરી રહ્યા હતા. તેમના પરિવારોને સહયોગ આપવાની વાત કરી.


આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કથિત રીતે પાકિસ્તાની સેનાના એક અધિકારી કોઈ ગામમાં એક પરિવારની પાસે પહોંચ્યો છે. ત્યાં ચારે તરફ માતમ છવાયેલો છે. આ સેનાના અધિકારી આતંકીના પરિવારને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.



સામાજિક કાર્યકર્તા સેંગે હસનાનું કહેવું છે કે, આ વીડિયો કેટલો સાચો છે તે હું કહી નથી શકતો. પરંતુ એ સાચું છે કે, બાલાકોટમાં જે કંઈ પણ થયું પાકિસ્તાન તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ લોકલ અને ઈન્ટરનેશનલ મીડિયાને ત્યાં જવા દેતાં નથી. તેમનો દાવો છે કે, પાકિસ્તાનના સ્થાનિક અખબારોમાં લાશોને લઈ જવા વિશેના અહેવાલો છપાયા છે.



ભારતે પાકિસ્તાન પર 26 ફેબ્રુઆરીના રોજ એર સ્ટ્રાઈક કરી હતી. એર સ્ટ્રાઈક કરવામાં આવી તે દિવસે સૌથી પહેલાં પાકિસ્તાની સેના પ્રવક્તાએ જ દુનિયાને સૌથી પહેલા જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના પ્લેન બોમ્મારો કરીને ત્યાંથી નિકળી ગયા.