નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતમાં મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેમના ભારતમાં બે દિવસ શાનદાર રીતે પસાર થયા છે. બંને દેશો વચ્ચે રક્ષા કરાર થયો છે. ભારત શાનદાર દેશ છે અને અમારા દિવસો સારી રીતે પસાર થયા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને તમામે શાનદાર રીતે અમારો સત્કાર કર્યો અમે તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ.


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કોરોના વાયરસને લઈને ચિંતા છે પરંતુ અમેરિકામાં તેને લઈને કોઈ ચિંતા નથી. ત્યાં સ્થિત નિયંત્રણમાં છે અને એક જહાજ પર કેટલાક લોકો સંક્રમિત છે પરંતુ તેમને અલગ રાખવામાં આવ્યા છે.


ટ્રમ્પે કહ્યું- મેં વડાપ્રધાન મોદી સાથે આતંકવાદ મુદ્દે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા કરી છે. પાકિસ્તાન સાથે પણ મારા સારા સંબંધ છે. કાશ્મીરનો પણ મુદ્દો છે અને કોઇ પણ સ્ટોરીની બે સાઇડ હોય છે. અમે તેની ચર્ચા કરી. મારાથી જે થઇ શકશે તે હું કરવા માટે તૈયાર છું.

CAA અને દિલ્હીમાં થયેલી હિંસા અંગેના સવાલમાં ટ્રમ્પે કહ્યું- જ્યાં સુધી ધાર્મિક સ્વતંત્રતાની વાત છે,તો વડાપ્રધાન મોદીએ હંમેશા તેના માટે કામ કર્યું છે. દિલ્હીની જે એક ઘટના થઇ તેના વિશે કોઇ વાત નથી થઇ, તે ભારતનો આંતરિક મુદ્દો છે.


ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અમેરિકામાં ચૂંટણીમાં દખલ દેવા માંગે છે પરંતુ અમે તેનાથી ચિંતિત નથી. લોકો એ વાતથી ઘણા ખુશ છે કે અમેરિકા પરિણામ મેળવવામાં સફળ રહ્યું છે. દક્ષિણ એશિયામાં શાંતિના પ્રયાસો માટે ભારત અને અમેરિકા સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 19 વર્ષ બાદ અમે અફઘાનિસ્તાનથી પોતાના લોકોને પરત બોલાવવા ઈચ્છીએ છીએ અને તેના માટે સંભવ હોય તે કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી ભારત પ્રવાસની વાત છે, પીએમ મોદી સાથે ઘણી સકારાત્મ વાત થઈ છે અને અમેરિકા ભારત સાથે સંબંધ વધારે વધારવા માંગે છે. પીએમ મોદી એક શાનદાર વ્યક્તિ છે અને અમે જાણીએ છીએ કે તેમની સાથે-સાથે ભારતની પ્રગતિને લઈને સારી વાતો સાંભળવા મળશે.

ભારતમાં સીએએ પર પુછવામાં આવેલા પ્રશ્ન પર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત ધાર્મિક આઝાદી પર યોગ્ય કામ કરી રહ્યું છે અને પીએમ મોદી એક મજબૂત નેતા છે. ભારતમાં તમામને ધાર્મિક આઝાદીની સ્વતંત્રતા મળેલી છે જો ખૂબ જ સારી વાત છે. ભારતમાં તમામ ધર્મોનું સન્માન થાય છે અને પીએમ મોદી બધાની ધાર્મિક સ્વતંત્રતા ઈચ્છે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને દેશોના પ્રધાનમંત્રી સાથે અમારા સંબંધો સારા છે અને કાશ્મીરના મુદ્દાને લઈને બંને દેશ કામ કરી રહ્યા છે. જ્યાં સુધી કાશ્મીર પર મધ્યસ્થતાનો સવાલ છે જો અમને કહેવામાં આવશે તો અમે મધ્યસ્તાના પ્રયાસો માટે તૈયાર છીએ. પીએમ મોદી એક મજબૂત અને શાંત વ્યક્તિ છે અને સમસ્યાઓને હલ કરવાને લઈને તેમની અલગ વિચાર છે.

પાકિસ્તાનને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈમરાન ખાન સાથે મારા સંબંધો સારા છે અને મારા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે પણ ખૂબ સારા સંબંધો છે. ભારત એક મજબૂત દેશ છે અને ભારત ઈચ્છે છે કે અફઘાન શાંતિ કરાર કરવામાં આવે.