નવી દિલ્હીઃ અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલ્બર રોસે સ્પષ્ટ શબ્દોમાં ભારતને વેપાર કરવા માટે વિશેષાધિકાર આપવાની ના પાડી દીધી છે અને કહ્યું કે, અમે જીએસપી પર વાત કરી શકીએ છીએ. ભારતના પ્રવાસે આવેલ રોસેએ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ બનેર હેઠળ દિલ્હીમાં આયોજિત થઈ રહેલ ઇન્ડિયા ઓકોનોમિક સમિટમાં કહ્યું કે, અમેરિકા ઈચ્છે છે કે, તે ભારતની સાથે એક સમાન વેપાર કરે. જોકે, ભારત સતત સંરક્ષણવાદી નીતિઓ પર ચાલી રહ્યું છે, જેને કારણે અનેક મુદ્દે સમાધાનમાં મુશ્કેલીઓ આવી રહી છે.

નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઇકોનોમિક સમિટમાં હાજરી આપ્યા બાદ રોસે જણાવ્યું હતું કે, જો બંને દેશ જીએસપીની સમસ્યાનો ઉકેલ લાવી શકશે તો તે મુક્ત વેપારની દિશામાં સારું પગલું ગણાશે. અમને આશા છે કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર મતભેદોનો ઉકેલ ઝડપથી આવી જશે અને ભારત સાથે વધુ સારા વેપાર કરાર થઈ શક્શે. અમે તેને મર્યાદિત વેપાર કરાર કહીશું.

નોંધનીય છે કે, ભારત અમેરિકી પ્રોડક્ટને તેના બજારમાં યોગ્ય સુવિધાઓ આપતું નથી તેવું કારણ રજૂ કરીને અમેરિકાએ ચાલુ વર્ષના પ્રારંભે ભારતને જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિઝ (જીએસપી) પ્રોગ્રામ અંતર્ગત અપાયેલો દરજ્જો છીનવી લીધો હતો. જીએસપી પ્રોગ્રામ અંતર્ગત 5.6 અબજ ડોલરના ભારતીય પ્રોડક્ટને અમેરિકામાં ડયૂટી ફ્રી એન્ટ્રી મળતી હતી. અમેરિકાએ ભારતનો જીએસપી દરજ્જો છીનવી લીધા બાદ ભારત સરકારે અમેરિકાની પ્રોડક્ટ પર 28 ટકા જકાત નાખી દીધી હતી. ગુરુવારે વિલ્બર રોસે ભારતના વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલ સાથે પણ મુલાકાત કરી હતી.