નવી દિલ્હીઃ ભારતીય  જનતા પાર્ટીએ રાજ્યસભા પેટાચૂંટણી માટે ગુરુવારે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તર પ્રદેશથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ભાજપ તરફથી સુધાંશુ ત્રિવેદીને જ્યારે બિહારથી ભાજપે સતીશ દુબેને ઉમેદવાર બનાવ્યા છે.


ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપે રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને પાર્ટીએ પેટા ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે. આ સીટ અરુણ જેટલીના નિધનના કારણે ખાલી પડી હતી. પાર્ટીએ બિહારથી સતીશ દુબેને ઉમેદવાર બનાવ્યા છે. બિહારની આ સીટ વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપને આ બેઠકો પર જીતનો વિશ્વાસ છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ પાસે બહુમત છે જ્યારે બિહારમાં પાર્ટીને જેડીયુ અને લોજપાનું સમર્થન છે. રાષ્ટ્રીય જનતા દળના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીના નિધનથી બિહારમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક માટે એનડીએમાં એ બાબત પર લગભગ સહમતિ બની ગઇ હતી કે ભાજપનો ઉમેદવાર હશે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી બાદ રવિશંકર પ્રસાદે ખાલી કરેલી સીટ પર ભાજપે પોતાના ક્વોટાથી લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાનને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમણે જીત હાંસલ કરી હતી.