લખનઉ: યૂપીમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. તેના પહેલા એસપી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ સમાજવાદી પાર્ટીના રજત જયંતી કાર્યક્રમના માધ્યમથી શક્તિ પ્રદર્શન કરવા માંગે છે. તેને લઈને આખા દેશમાં સમાજવાદીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પાર્ટીના આ ભવ્ય કાર્યક્રમ પહેલા મુલાયમ પરિવારમાં થયેલો વિવાદ હજી હલ થયો નહોતો કે સીએમ અખિલેશ યાદવે પોતાની ચૂંટણી મેગા શો માટે તારીખની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે, 6 નવેમ્બરે લખનઉમાં સમાજવાદી પાર્ટીના 25 વર્ષ પૂરા થવા બદલ રજત જયંતી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પહેલા અખિલેશ યાદવે 3 નવેમ્બરે ‘સમાજવાદી વિકાસ રથ યાત્રા’ કાઢવાની જાહેરાત કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારમાં થયેલા વિવાદને લઈને અખિલેશે આ કદમ ઉઠાવ્યું છે અને તેના કારણે તે પાર્ટીના મેગા શોમાં પણ ઉપસ્થિત રહેશે નહીં. અગાઉ મંગળવારે સમાજવાદી પાર્ટીના યૂથ બ્રિગેડના પાર્ટીની રજત જયંતી કાર્યક્રમના બહિષ્કારની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે 3 નવેમ્બરથી શરૂ થઈ રહેલી રથયાત્રા માટે સીએમ અખિલેશ યાદવે સત્તાવાર રૂપથી પત્ર લખીને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવને સૂચિત કર્યા છે. તો બીજી બાજુ તેની પ્રતિલિપિ રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવના નામથી જાહેર કરી છે. અખિલેશના આ પત્રથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે હવે તે પુરી રીતે બગાવતી મૂડમાં છે.