નવી દિલ્લી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય અટકળો શરુ થઇ ગઇ છે કે યૂપીમાં મુખ્યમંત્રી કોણ બનશે માયાવતી, શીલા દિક્ષીત, મુલાયમ સિંહ કે વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવ ફરીથી મુખ્યમંત્રીની ગાદી ઉપર બેઠશે, યુપીની જનતા શું વિચારી રહી છે તે જાણવા માટે એબીપી ન્યૂઝ માટે લોકનીતિ અને સીએસડીએસ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

આ સર્વે મુજબ અખિલેશ યાદવ અને માયાવતી વચ્ચે લોકપ્રિયતના મામલે મુકાબલો ટક્કરનો જોવા મળ્યો છે. જો કે બેઠકોના મામલે ભાજપ અને એસપી વચ્ચે મુકાબલો ટક્કરનો છે.

આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, વર્તમાન મુખ્યમંત્રી અખિલેશ યાદવથી રાજ્યની 61 ટકા જનતાને સંતોષ છે, અને સર્વેમાં એસપી સૌથી મોટી પાર્ટી નજર આવી રહી છે.  જો કે  સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભાજપની બેઠકોમાં સતત ભારે વધારો રહ્યો છે.

આ સર્વેમાં મુખ્યમંત્રીની પહેલી પસંદ માટે અખિલેશ યાદવ અને બીએસપી સુપ્રિમો માયાવતી વચ્ચે કાંટાની ટક્કર છે. બંન્ને નેતા 24 ટકા વોટ સાથે મુખ્યમંત્રી પદ માટે  યૂપીની જનતાની પ્રથમ પસંદ છે.

ભાજપ માંથી હજુ સુધી સીએમ પદનો ચહેરો કોણ હશે તે જાહેર કરવામાં આવ્યો નથી. સર્વેમાં વોટરોને સીએમ પદની પસંદગી માટે વિકલ્પ આપવામાં નહોતો આવ્યો. પરંતુ 7 ટકા વોટ સાથે ત્રીજા નંબર પર ગૃહમંત્રી રાજનાથ સિંહ છે. તો 5 ટકા વોટરોની પસંદ સાથે ચોથા ક્રમે ભાજપના ફાયર બ્રાંડ નેતા યોગી આદિત્યનાથ છે.

આ સર્વેમાં 4 ટકા વોટ સાથે 5માં ક્રમે 3 વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા એસપી સુપ્રિમો મુલાયમ સિંહ યાદવ છે. 6માં ક્રમે ભાજપના યુવા નેતા અને સુલ્તાનપુરથી સાંસદ વરુણ ગાંધી છે. વરુણને 3 ટકા વોટ મળ્યા છે.

સર્વેમાં સૌથી મહત્વનો વિષય છે કે રાજ્યમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવથી 61 ટકા લોકોને સંતોષ છે તો સમાજવાદી સરકારથી 60 ટકા લોકોને સંતોષ છે.

કેન્દ્ર સરકાર માટે નરેંદ્ર મોદીથી 68 ટકા લોકોને સંતોષ છે. જ્યારે એનડીએ સરકારના કામગીરીથી 63 ટકા લોકોને સંતોષ છે.