નવી દિલ્લી: ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પ્રધાનમંત્રીને જ આગળ રાખીને ચુંટણી લડવા જઇ રહી છે, અને યુપીની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ યુપીમાં રાજકીય તસવીર બલાઇ રહી છે. અને મતદારોના બદલાતા મંતવ્યોને  જાણવા માટે એબીપી ન્યૂઝે લોકનીતિ અને સીએસડીએસની સાથે મળીને એક મોટો સર્વે કર્યો છે.

યુપીમાં સમાજવાદી પાર્ટી, બીએસપી, કૉંગ્રેસના સીએમ પદના ચહેરા સામે આવી ગયા છે, તો ત્યાંજ ભાજપે હજુ સુધી પોતાના પક્ષ તરફથી સીએમ પદનો ચહેરો કોણ હશે તેની જાહેરાત કરી નથી. ભાજપે હજુ સુધી પ્રધાનમંત્રી મોદી ઉપર જ વિશ્વાસ મુક્યો છે, અને ભાજપ માટે પ્રધાનમંત્રી મોદી જ યુપીમાં સૌથી મોટા સ્ટ્રેન્થ છે. ભાજપનો આ ચહેરો યુપીમાં સફળ થશે કે નહી તે જાણવા માટે ઉત્તરપ્રદેશમાં એક સર્વે કરવામાં આવ્યો છે. જેમા યુપીમાં મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ ચકાસવામાં આવ્યો છે. જેના માટે યુપીના લોકોથી પ્રધાનમંત્રી મોદી વિશે 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા.  

પ્રથમ પ્રશ્ન: પ્રધાનમંત્રી તરીકે નરેંદ્ર મોદી વિશે શું વિચારો છો? શું તમે લોકો તેમના કામથી સંતુષ્ટ છો કે નથી?

આ પ્રશ્નના જવાબમાં 68 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તે લોકો પ્રધાનમંત્રી મોદીના કામથી સંતુષ્ટ છે, જ્યારે 22 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તે લોકો મોદીના કામથી સંતુષ્ટ નથી.        

બીજો પ્રશ્ન- બે વર્ષથી કામ કરી રહી એનડીએ સરકારની કામગીરી કેવી લાગી?

63 ટકા લોકોએ જણાવ્યું કે તે એનડીએ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે, જ્યારે 23 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ સરકારની કામગીરીથી સંતુષ્ટ નથી.

ત્રીજો પ્રશ્ન:  પ્રધાનમંત્રી મોદીના અચ્છે દિનવાળા સૂત્રોચ્ચારને લઇને હતો. જેમા લોકોથી પૂછવામાં આવ્યું કે, શું પીએમ મોદી સારા દિવસો લાવવામાં નિષ્ફળ રહ્યા છે?

આ પ્રશ્નના જવાબમાં 52 ટકા લોકોએ જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 32 ટકા લોકો જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં સફળ રહ્યા છે. આ જ પ્રશ્ન યૂપીના દલિત વોટરોને પણ પૂછવામાં આવ્યું, જેમા 55 ટકા દલિતોએ જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 23 ટકા લોકોએ જણાવ્યું કે મોદી સારા દિવસો લાવવામાં સફળ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે યુપીમાં 21-22 ટકા દલિત મતદારો છે. ઓબીસી મતદારો પછી દલિતોની સંખ્યા વધારે છે. અને 55 ટકા દલિતોએ મોદીને સારા દિવસો લાવવામાં નિષ્ફળ ગણાવ્યા છે, તો મોદી અને ભાજપ બંન્ને માટે યૂપીની ચુંટણીમાં મુશ્કેલી ઉભી થવાની શક્યતા છે.

આ સર્વે 23 જુલાઇથી લઇને 7 ઓગસ્ટ વચ્ચે યુપીના 403 માંથી 65 વિધાનસભાની બેઠકો પર કરવામાં આવ્યું હતું. જેમા 256 પોલિંગ બૂથ શામેલ હતા અને તેમાં 4452 વોટરોના મંતવ્ય લેવામાં આવ્યા હતા.