UP News: અપના દળ (કમેરાવાદી)ના નેતા (Apna Dal Kamerawadi) અને સિરાથુ બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય પલ્લવી પટેલની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી હતી. તેઓ અચાનક બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ તેઓને લખનઉની મેદાંતા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તેઓ જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી હતી.






 ડેપ્યુટી સીએમએ ટ્વિટમાં શું કહ્યુ?


નાયબ મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે કૌશાંબી જિલ્લાના સિરાથુથી એસપી ધારાસભ્ય પલ્લવી પટેલ જીની ખરાબ તબિયતના સમાચાર મળ્યા છે. હું તેઓ જલદી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું."


 જોકે પ્રાથમિક તપાસમાં સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલે ધારાસભ્યના સ્વાસ્થ્યને લઈને અપડેટ જાહેર કર્યું છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમની હાલત સારી છે.


 નોંધનીય છે કે પલ્લવી પટેલને હાલમાં ન્યુરોના આઈસીયુમાં તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, બુધવારે તેમની પ્રારંભિક તપાસ કરવામાં આવી હતી જેમાં બધુ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે. એસપી ધારાસભ્ય હાલમાં ન્યુરો નિષ્ણાત ડૉ ઋત્વિજ બિહારીના દેખરેખ હેઠળ છે. અહીં ન્યુરો વિભાગના નિષ્ણાતોની મેડિકલ ટીમ તેમના પર નજર રાખી રહી છે.


 ઉલ્લેખનીય છે કે પલ્લવી પટેલ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશવ પ્રસાદ મૌર્ય સામે સપાની ટિકિટ પર સિરાથુથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. પલ્લવી પટેલ કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલની બહેન છે.