Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે. આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ યુનિટના મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એક ખાનગી સમારંભમાં લગ્ન કરશે. તેમના લગ્ન હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી ડોક્ટર ગુરપ્રીત કૌર (Dr Gurpreet Kaur) સાથે થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે માનની માતા, બહેન, સંબંધીઓ અને કેટલાક અન્ય મહેમાનો ચંદીગઢમાં યોજાનાર લગ્ન સમારોહમાં હાજરી આપશે. તેમણે જણાવ્યું હતું કે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે.
કોણ છે ડૉક્ટર ગુરપ્રીત કૌર?
ગુરપ્રીત કૌરનો પરિવાર હરિયાણાના કુરક્ષેત્ર જિલ્લાના પિહોવા શહેરના તિલક નગર વિસ્તારનો રહેવાસી છે. તેમના પિતા ઈન્દ્રજીત સિંહ એક ખેડૂત છે અને મદનપુર ગામના ભૂતપૂર્વ સરપંચ પણ છે. તેમની માતા રાજ કૌર ગૃહિણી છે. તેઓ ત્રણ બહેનોમાં સૌથી નાના છે. તેમની એક બહેન ઓસ્ટ્રેલિયામાં અને બીજી અમેરિકામાં રહે છે. ગુરપ્રીત કૌરે અંબાલાની મૌલાના મેડિકલ કોલેજમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો છે. સીએમ માનની માતા અને બહેન ઈચ્છતા હતા કે સીએમ માન ફરીથી લગ્ન કરે.
ભગવંત માનના પહેલી પત્ની ઈન્દ્રપ્રીત કૌર સાથે 2015માં છૂટાછેડા થઈ ગયા હતા. મુખ્યમંત્રીને બે બાળકો છે. ઈન્દ્રપ્રીત બંને બાળકો સાથે અમેરિકામાં રહે છે.
નેતાઓએ શુભેચ્છા પાઠવી
રાજ્ય મંત્રી હરજોત સિંહ બેન્સ, અમન અરોરા અને રાઘવ ચઢ્ઢા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ટ્વીટ કરીને માનને અભિનંદન પાઠવ્યા છે. કોંગ્રેસના પંજાબ એકમના પ્રમુખ અમરિન્દર સિંહ રાજા વડિંગે પણ માનને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.