યોગી સરકારે 50 માઇક્રોનથી પાતળી પોલિથીનને રાજ્યમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા દિવસોમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પોલિથીન પર પ્રતિબંધ લગાવવાની સાથે સાથે નિયમનો ભંગ કરનારને 50 હજાર રૂપિયા સુધીનો દંડ કરવા પર વાત થઇ હતી. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 15 જૂલાઇથી પ્લાસ્ટિકના કપ, ગ્લાસ, પોલિથીનનો ઉપયોગ કરવામાં ના આવે. આ નિર્ણયમાં તમારા સૌના સહકારની જરૂર છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, તમામ શહેરી વહીવટીતંત્રો આ નિર્ણય પર યોજના તૈયાર કરે. પોલિથીન પર પ્રતિબંધ તમામ સ્થળોએ હોવો જોઇએ પરંતુ તેની શરૂઆત શહેરી વિસ્તારોથી કરવામાં આવશે. ડિસેમ્બર 2015માં અખિલેશ સરકારે રાજ્યમાં પોલિથીનની કૈરીબેગ્સ પ્રતિબંધ લગાવ્યો હતો. આ માટે સરકારે ઇન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટને મંજૂરી આપી હતી. એક્ટ અનુસાર, જો કોઇ પ્રતિબંધિત પોલિથીનનો ઉપયોગ કરતા પકડાય તો છ મહિનાની સજા અને પાંચ લાખ રૂપિયાના દંડ ભરવો પડી શકે છે.