Uttarakhand: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ઉત્તરાખંડના પિથૌરાગઢ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્વતી કુંડમાં પ્રાર્થના કરી હતી. આ દરમિયાન પીએમ મોદી પણ ડમરૂ વગાડતા જોવા મળ્યા હતા. પીએમ મોદી ગુંજી ગામ જશે. જ્યાં તેઓ આર્મી, ITBP અને BROની સાથે સાથે સ્થાનિક લોકો સાથે પણ વાતચીત કરશે.
પીએમ મોદી ગુરુવારે સવારે પિથૌરાગઢના જોલિંગકોંગ પહોંચ્યા હતા. અહીં તેમણે આદિ-કૈલાસની પૂજા પણ કરી હતી. આ દરમિયાન પીએમ મોદી સાથે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.
અહીંથી પીએમ મોદી ગુંજી ગામ પહોંચશે, જ્યાં તેઓ સ્થાનિક લોકો સાથે વાત કરશે. અહીં તેઓ એક પ્રદર્શન પણ જોશે. PM મોદી અહીં આર્મી, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) અને BROના જવાનો સાથે વાતચીત કરશે.
અહીંથી પીએમ મોદી બપોરે અલ્મોડાના જાગેશ્વર જશે. તેઓ અહીં જાગેશ્વર ધામમાં પૂજા-અર્ચના કરશે અને દર્શન કરશે. લગભગ 6200 ફૂટની ઉંચાઈ પર આવેલા જાગેશ્વર ધામમાં લગભગ 224 પથ્થરના મંદિરો છે.
4200 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે
આ પછી પીએમ બપોરે 2.30 વાગ્યે પિથૌરાગઢ પહોંચશે. જ્યાં તેઓ ગ્રામીણ વિકાસ, રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, બાગાયત, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ 4200 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.