Ajay Kothiyal joins BJP: ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટી (AAP)ના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અજય કોઠીયાલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ પ્રસંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ મદન કૌશિક હાજર રહ્યા હતા. કર્નલ (નિવૃત્ત) અજય કોઠીયાલે 18 મેના રોજ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ગંગોત્રી સીટ પરથી ચૂંટણી લડનાર અજય કોઠીયાલની કારમી હાર થઈ હતી અને તેમણે ડિપોઝીટ પણ ગુમાવી હતી.


18 મેના દિવસે આપ્યુ રાજીનામુંઃ
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લખેલા પોતાના પત્રમાં કર્નલ કોઠિયાલે કહ્યું હતું કે, "હું 19 એપ્રિલ 2021 થી 18 મે 2022 સુધી આમ આદમી પાર્ટીનો સભ્ય રહ્યો છું. ભૂતપૂર્વ સૈનિકો, અર્ધલશ્કરી દળોના ભૂતપૂર્વ સૈનિકો, વડીલો, મહિલાઓ, યુવાનો અને બૌદ્ધિકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને, હું 18 મેના રોજ મારું રાજીનામું તમને મોકલી રહ્યો છું."


CM પદનો ચહેરો બન્યા હતા કોઠિયાલઃ
CM કેજરીવાલે ગયા વર્ષે ઓગસ્ટમાં AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોઠિયાલના નામની જાહેરાત કરી હતી. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, અમે AAP પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ભૂતપૂર્વ સૈન્ય અધિકારીને પસંદ કર્યા છે. અને આ પસંદગીનો નિર્ણય રાજ્યના લોકો તરફથી મળેલા પ્રતિસાદને આધારે લેવામાં આવ્યો છે.


AAP ઉત્તરાખંડમાં ખાતું પણ ના ખોલાવી શકીઃ
AAPની ઉત્તરાખંડ માટે ઘણી મોટી યોજનાઓ હતી કારણ કે, પાર્ટીએ રાજ્યની તમામ 70 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. જોકે, પાર્ટી રાજ્યમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. ત્યારે હવે મુખ્યમંત્રી પદનો ચહેરો રહેલા અજય કોઠિયાલે પણ પાર્ટીને અલવિદા કહી દીધું છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.


આ પણ વાંચોઃ


IPL 2022: આવતા વર્ષે બદલાઈ શકે છે આ ત્રણ ટીમોના કેપ્ટન, જાણો લિસ્ટમાં કોણ-કોણ છે